પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિવેદન

ગુજરાતી ભાષાને ગદ્ય અને પદ્યમાં ઉત્તમ સાહિત્ય અને ઉન્નત વિચારોનો વારસો આપી માત્ર ૨૬ વર્ષની ભરયુવાનીમાં જ આ નશ્વર દુનિયાને ત્યજી ગયેલા ‘લાઠી’ના સ્વ૦ નામદાર ઠાકોર શ્રી સૂરસિહજી તખ્તસિંહજી ગોહિલ–‘કલાપી’ના નામથી ગુર્જર સાહિત્યનો કોઈક જ અભ્યાસી અજાણ્યો હશે. તેમનું આ પુસ્તક ઈ. સ. ૧૯૧૧માં આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલું. તેમનું સાહિત્ય સચવાઈ રહે અને આજની પેઢીના વાચકોને તેનો લાભ મળે તે માટે તેના પુનર્મુદ્રણરૂપે આ નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ઈ. સ. ૧૮૯૨માં માત્ર અઢાર વર્ષની ઉમ્મરે તેમણે આ પુસ્તક પહેલવહેલું લખેલું. એમાં તેમના સંસ્કારી હૃદયની, તેમની સૃષ્ટિસૌંદર્ય નીરખવાની ને તેને સરળ ને રસિક શૈલીથી આલેખવાની તેમની શક્તિની આપણને પ્રતીતિ થાય છે.

પોતાના કાશ્મીરના પ્રવાસનું વર્ણન તેમણે તેમના શિક્ષક સ્વ. નરહર બાલકૃષ્ણ જોશીને ઉદ્દેશીને લખાયેલા પત્રરૂપે આલેખ્યું છે. એમાં તે સમયના કાશ્મીરના સૃષ્ટિસૌંદર્યનું તેમ જ પ્રવાસમાંની સગવડ-અગવડનું ચિત્રણ ચીતર્યું છે, જે આજેય સુરમ્ય લાગે છે.

આ પછીનાં પાનાંમાં ભાઈ કપિલ ઠક્કરે ‘પત્ર અને પત્ર- લેખકના પરિચય’ એ મથાળા નીચે લેખકનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે, તે તરફ વાચકબંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે.


મુંબઈ,
તા. ૩૧-૧૦-૧૭
‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ' ના ટ્રસ્ટીઓ વતી
મનુ સુબેદાર (પ્રમુખ)