પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
કચ્છનો કાર્તિકેય

મને ક્ષમા આપો. માતા માધુરી, હું તારી પણ ક્ષમા માગું છું અને આજથી મારી પિશાચવૃત્તિને સદાને માટે ત્યાગું છું. તું મારી ગુરુ થઈ છે; કારણ કે, આજે તારા કારણથી જ હું સત્ય ધર્મને ઓળખી શક્યો છું. પુરુષો કરતાં સ્ત્રીઓનાં અંતઃકરણો અધિક કોમળ તથા દયાળુ હોય છે અને તેથી મને આશા છે કે અવશ્ય તું તારી દયાળુતા તથા કોમળતાને પરિચય કરાવીશ !”

માધુરી ખરેખર દયા, અનુકંપા તથા કરુણાની માધુરી જ હતી; કારણ કે, જે પુરુષપિશાચ અલ્પ સમય પૂર્વે તેના સતીત્વનો બળાત્કારે ભંગ કરી તેના પ્રાણનું બલિદાન લેવાને નિર્દયતાથી તત્પર થયો હતો; તે જ પુરુષપિશાચના મરણની ઘટિકા જયારે આવી પહોંચી અને તે દીનતાથી આવી પ્રાર્થના કરવા લાગ્યો એટલે તેથી કરુણામયી માધુરીનું કોમળ અંતઃકરણ પીગળી ગયું અને તેથી તે પોતાના ઉદ્ધારક ખેંગારજીને સંબોધીને કહેવા લાગી કે “વીરબંધુ, હવે આ પાપાત્માની હત્યા કરીને તમે મનુષ્યવધના ભાગી થશો નહિ, પરમાત્માની કૄપાથી અને તમારી સહાયતાથી મારા સતીધર્મનું તથા મારા પ્રાણનું રક્ષણ થયું છે એટલે હવે આને મારી નાખવાની આવશ્યકતા રહી નથી. બળ્યું; એનાં કર્મો એ ભોગવશે.”

ખેંગારજી તેની એ દયાશીલતાને જોઈ કાંઈક હસીને કહેવા લાગ્યો કે:. "પવિત્ર ભગિની. તમે હજી ભોળાં છો અને તેથી જ અત્યારે આવી અયોગ્ય દયા દર્શાવવાનો મને ઉપદેશ આપી રહ્યાં છો. નીતિશાસ્ત્રનો એક એ સર્વમાન્ય સિદ્ધાત છે કે સર્પને અર્ધમૃત અવસ્થામાં જીવતો રાખવો, એ ભવિષ્યમાં તેને વૈરના પ્રતિશોધનો પ્રસંગ આપ્યા સમાન છે; અર્થાત્ ચગદાયલો નાગ પોતાના વૈરનો બદલો લીધા વિના કદાપિ જંપીને બેસતો નથી અને તેથી આપણું જીવન પ્રતિક્ષણ ભય અને ભયમાં જ રહ્યા કરે છે. આ મનુષ્ય નથી, પણ એક મહા ભયંકર વિષધર નાગ છે અને તેથી જો એને અત્યારે આપણે જીવતો રહેવા દઈશું, તો કોઈ વાર પ્રસંગ મળતાં એ નાગ અવશ્ય દંશવાનો પ્રયત્ન કર્યા વિના રહેવાનો નથી, એ નિશ્ચયપૂર્વક માનજો. આવા પિશાચ આત્માઓને તો જેમ બને તેમ સત્વર નરકાલયમાં મોકલી દેવામાં જ સાર છે; કારણ કે, નરકાલયમાં નિવાસ એ જ એમનો ઉદ્ધાર છે !” આમ બોલતાંની સાથે જ ખેંગારજીએ માધુરીના ઉત્તરની પ્રતીક્ષા ન કરતાં અથવા તો તેને અધિક બોલવાનો પ્રસંગ ન આપતાં પોતાની તીક્ષણ ધારવાળી તલ્વારથી તે પુરષરાક્ષસના મસ્તકને ધડથી જુદું કરી નાખ્યું અને ત્યાર પછી કપાટમાના