પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

10


જઈને ધાડ પાડી. પણ બીજી જગ્યા પણ આપણી જ છે, એટલે આપણે તો અંધારી ગલીમાં આથડ્યા. ચોરનો ઉપદ્રવ વધતો ગયો, કેમ કે તેમણે તો ચોરીને કર્તવ્ય માન્યું છે. આપણે જોયું કે આના કરતાં સારું એ છે કે ચોરનો ઉપદ્રવ સહન કરવો, તેમ કરતાં ચોરને સમજ આવશે . આટલું સહન કરવામાંથી આપણે જોયું કે ચોર કંઈ આપણાથી જુદા નથી. આપણને તો બધા સગા છે, મિત્ર છે; તેમને દંડવા હોય નહિ. પણ ઉપદ્રવ સહન કર્યે જઈએ તેથી બસ નથી. તેમાંથી તો કાયરતા પેદા થાય. એટલે આપણે બીજો વિશેષ ધર્મ જોયો. ચોર આપણા ભાઈભાંડુ હોય તો તેમનામાં તે ભાવના પેદા કરવી જોઈએ. એટલે આપણે તેઓને અપનાવવાને સારુ ઉપાયો શોધવા પૂરતી તસ્દી લેવી રહી. આ અહિંસાનો માર્ગ. આમાં ઉત્તરોત્ર દુખ વહોરવાની જ વાત આવે છે, અખૂટ ધીરજ શીખવાની વાત આવે છે. અને જો તે હોય તો અંતે ચોર સાહુકાર બને છે, આપણને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન થાય છે. આમ કરતાં આપણે જગતને મિત્ર બનાવતાં શીખીએ છીએ, ઈશ્ર્વરનો, સત્યનો મહિમા વધારે જણાય છે; સંકટ વેઠતાં છતાં શાંતિસુખ વધે છે; આપણામાં સાહસ, હિમ્મત વધે છે; આપણે શાશ્વતઅશાશ્વતનો ભેદ વધારે સમજીએ છીએ; કર્તવ્યઅકર્તવ્યનો વિવેક આવડે છે; અભિમાન ગળે છે; નમ્રતા વધે છે; પરિગ્રહ સહેજે ઓછો થાય છે; ને દેહની અંદર ભરેલો મેલ નિત્ય ઓછો થતો જાય છે.

આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇ ને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ