પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છીએ, અને શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઈ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઊંઘે છે, તે બધું સેવાને જ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરું સુખ છે, ને આમ કરતો મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દૃષ્ટિએ આપણે સહુ આપણો પરિગ્રહ વિચારી લઈએ.

આટલું યાદ રાખવાયોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમા અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઈત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે, આ ખરું વચન હોય- અને ખરું છે જ તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લાભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટે ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઈ મંદતાને તો નહિ જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઈએ. પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હોય, સત્ય તરફ લઈ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહિ. અહિં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજ-પ્રાપ્ત છે.