પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કેવળ લોકસેવા અર્થે કરશે. જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઈ પડે છે. આ મહેનત ખરું જોતાં તો ખેતી જ છે. પણ સહુ તે નથી કરી શકતા એવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરે - એટલે કે કાંતાઅની, વણવાની, સુતારની, લુહારની ઇત્યાદિ, ઇત્યાદિ. સહુએ પોતપોતાના ભંગી તો થવું જ જોઈએ. ખાય છે તેને મળત્યાગ તો કરવાનો જ છે. મળત્યાગ કરે તે જ પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન જ બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે. જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે ત્યાં કંઈક મહાદોષ પેસી ગયો છે એમ મને તો વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્યપોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઈએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો થશે. બાળક, બુઢ્ઢાં અને રોગથી અપંગ થયેલાં મજૂરી ન કરે એને કોઈ અપવાદ ન સમજે. બાળક માતામાં સમાય છે. જો કુદરતના કાયદાનો ભંગ ન થતો હોય તો બુઢ્ઢાં અપંગ ન થાય, ને રોગ તો હોય જ શાને ?