પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ તે સુધારી જવાની છે જ. કેમકે સત્યની શોધની પાછળ તપશ્ચર્યા હોય, એટલે પોતે દુઃખ સહના કરવાનું હોય. તેની પાછળ મરવાનું હોય, એટલે તેમાં સ્વાર્થની તો ગંઘ સરખીયે ના હોય. આવી નિઃસ્વાર્થ શોધ કરતાં આજ લાગી કોઈ આડે માર્ગે છેવટ લગી ગયું નથી. આડે જાય કે ઠેસ વાગી જ જાય છે; એટલે વળી તે સીધે માર્ગે ચડી જાય છે. તેથી સત્યની આરાધના એ ભક્તિ છે, ને ભક્તિ તે ‘શીશતાણું સાટું’ છે; અથવા તો હરિનો મારગ હોઈ તેમાં કાયરતાને સ્થાન નથી, તેમાં હાર જેવું કંઈ છે જ નહિ. એ ‘મરીને જીવવાનો મંત્ર’ છે.

પણ હવે આપણે લગભગ અહિંસાને કાંઠે આવી પહોંચ્યા. એનો વિચાર આવતે અઠવાડિયે કરીશું.

આ પ્રસંગે હરિશ્ચંદ્ર, પ્રહ્લાદ, રામચંદ્ર, ઈમામ હસનહુસેન, ખ્રિસ્તી સંતો વગેરેનાં દ્રષ્ટાંન્તો વિચારી જવાં જોઈએ. આ રટણ બીજા અઠવાડીયા લાગી સહુ, બાળક-મોટાં, સ્ત્રીપુરુષ, ચાલતાં, બેસતાં, ખાતાં, પીતાં, રમતાં, બધું કરતાં કર્યા જ કરે, ને તે કરતાં કરતાં નિર્દોષ નિદ્રા લેતાં થઈ જાય તો કેવું સારું ! એ સત્યરૂપ પરમેશ્વર મારે સારુ રત્નચિંતામણિ નીવડેલ છે; આપણ બધાંને સારું નીવડો.