પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શનિયાનો છોકરો
૧૧૧
 

એટલે મહારાજે છોકરાને ઉપાડીને પાછો ઝોળીમાં ઉપાડી સ્ટેશન ભેળો કર્યો. બેઠા બેઠા પોતે પછેડી વતી માખીઓ ઉડાડી રહ્યા છે, શનિયો બાજુમાં કશી સમજણ વગર ચૂપચાપ બેઠો છે. ગાડી આવવાને વાર છે. એ વેળા થોડે છેટે એક ઊજળાં લૂંગડાંવાળા અજાણ્યા ભાઈ ઊભા ઊભા આ જુએ, અને મનમાં વિસ્મય પામે કે, આ બીજી કોમના કોઈ છોકરાને આ બ્રાહ્મણ જેવા દેખાતા માણસ કેમ પવન ઢાળી રહ્યા છે ? એવામાં ગાડી આવી. મહારાજે ઝોળી ઉપાડીને ગાડીમાં નાખી. ત્યાં પેલા જોઈ રહેનાર ભાઈ દોડતા આવ્યા, અને પૂછ્યું : "તમે કોણ છો? આ છોકરો કોણ છે ?" મહારાજે બધી વાત કરી. એણે એ જ ઘડીએ ગજવામાં હાથ નાખીને પરચૂરણ અને રોકડ મળીને ૩-૪ રૂપિયા મહારાજના હાથમાં મૂક્યા. મહારાજે ઘણી ના પાડી છતાં એમણે પરાણે આપ્યા, અને એ છોકરા માટે વાપરવાનો આગ્રહ કરતા એ ભાઈ જતા રહ્યા.

શનિયાનો છોકરામા કશો રસ રહ્યો નહોતો. એ તો સાથે જતો હતો. કારાણકે મહારાજને ના કહી શકાઇ નહિ. વડોદરે સંગાથે ગયો. મહારાજની કંઈક શરમ લાગી તે ગાડીની બારીમાંથી ઝાડવાંની દોટાદોટના જલસા ચોરીછૂપીથી જોતો રહ્યો; દીકરાને માખીઓ ઉડાડવાનો કંઈક કંઈક દેખાવ કરતો ગયો. ગાડીનો વેગ એને ગમ્મત આપતો હતો - અંદર મૃતપ્રાય: પુત્ર ભલેને પડ્યો ! રેલના પૈડાં પર વિહરવાની મોજ પણ વિરલ હતી. નિત્યનું નિશ્ચેતન જીવન જાણે કે ઝંઝાવાત પર ઘોડેસવારી કરે રહ્યું છે. શનિયો મનમાં મનમાં થનગને છે.

વડોદરાની મોટી ઉસ્પિતાલે છોકરાને તપાસીને દાક્તરે મહારાજને કહ્યું : " આજની એક રાત કાઢે તો જ ઉગાર છે. જો કે કાઢવા સંભવ નથી; ઝેર લોહીમાં પ્રસરી ગયું છે."

શનિયાનો તો કશી જ ખબર નહોતી; ખબરની દરકાર પણ નહોતી. એને કંઈ ગમ-સમજણ નહોતી. એને તો કોઈ કોઈ વાર 'ઘર માંદો ખાટલો' (સુવાવડી બૈરી) અને અધમણ ભાત પર છોડેલાં છોકરાં યાદ