પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
માણસાઈના દીવા
 

બંધ પડું એ પોતાને ગમે નહિ. પણ તેથી જ મેં છોડ્યો."

માણસના મનોવ્યાપારની આ નિગૂઢ, નિર્મલ અને સરલ ગતિ પર વિચાર કરું છું ત્યાં ઘર આવ્યું; ને ભગતે એના અવિરત મલકાટ સાથે મને કહ્યું : "આ અમારું ઘર. ડાકોરથી નાસિક જનારા સાધુઓનો આ વિસામો. ટોળેટોળાં આ માર્ગે ચાલ્યાં જાય. ને મારો બાપ તો નહિ પણ મારી મા એ સૌ સાધુઓને અહીં લોટ અગર ચોખા આપે. આ લપછપમાં મારો બાપ પડે નહીં; કોણ આવ્યા ને ખાઈ ગયા એ વાતથી એને કંઈ નિસબત નહીં."

ફરી પાછું હસીને એ બોખું મોં ખોલ્યું : "એક વાર મારા બાપાને એક કાવડિયો (પૈસો) જડ્યો. જનમ ધરીને કદી કાવડિયો અગાઉ દીઠેલ નહિ; એટલે નવાઈનો પાર ન રહ્યો. હાથમાં રાખીને ફર્યા જ કરે ! એમાં એક સાધુ આવી ચડ્યા. બાપે કાવડિયાનું શું કરવું એ મૂંઝવણમાંથી છૂટવા માટે કાવડિયો સાધુને આપ્યો. અને સાધુએ અમારા ઝૂંપડાના છાપરા પર હાથ લંબાવી, છાપરાના સૂકલ ઘાસમાંથી એક ચપટી ભરીને બાપાને કહ્યું : ‘લે, બેટા, દારૂ ન પીજે. તારું સારું થશે; તને ધન મળશે.’"

"ધન મળ્યું ખરું ?" મેં વચ્ચે ઉતાવળે પ્રશ્ન કર્યો. એણે જવાબ વાળ્યો — હસતે મોંએ :

"મળ્યું હશે કંઈ ખબર નહિ. પણ દાણા ઘણા થયા. ડાંગર ખૂબ પાકી. પછી મા મરી ગઈ, એટલે બાપા કહે કે, તારી માની પાછળ એનું અન્નક્ષેત્ર તો મારે ચાલુ રાખવું જ જોઈએ. ને એણે મૂઈ માનું કામ સંભાળ્યું. પછી થોડે વર્ષે બાપો મરી ગયો, એટલે મને થયું કે, બાપે ચાલુ રાખેલું માનું કામ મારે પણ ચાલુ રાખવું જોઈએ."

થોડો વિસામો ખાઈને એણે કોઈ અદશ્ય ચોપડો વાંચતો હોય એવી રીતે ચલાવ્યું : "અમારે ત્યાં રિવાજ એવો કે દાણા ઘર બહાર વાડામાં મોટા પાલવ કરીને ભરી રાખીએ. દાણા ઘરમાં ભરવાનો રિવાજ જ નહિ. એમાં છપનિયો દુકાળ આવ્યો. છોકરો અમરસંગ કહે કે, બાપા, દાણા સંતાડી દઈએ. મેં કહ્યું કે, અરે, દાણા તે કંઈ સંતાડાય ? દાણા તો પરમેશ્વરે ખાવા સારુ આલ્યા છે, એને સંતાડાય નહિ. સંતાડીએ