પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબર દેવા
૧૪૧
 


“હેં ભૈ ?”

“બોલો, ભૈ !”

“ભગત તો હવડાં કાંઠામાંથી આ પાર આપણા તાલુકામાં ઊતર્યા છે ને ? તો મારે ઘેર ઈમનાં પગલાં ના કરાવો ?”

ભાઈ કહે : "શા સારુ ના કરાવું ? જરૂર કરાવું.”

“તો લાવો ને; મારે ભગતનાં દર્શન કરવાં છે.”

'ભગત' ઉર્ફે બાબર દેવા, જે ખેડા જિલ્લો છોડી, મહી નદી પાર કરી હમણાં ભરૂચ જિલ્લામાં ઊતર્યો હતો, તેને પોતાને 'ઘેર પગલાં કરાવવા'ના ઇંતેજાર આ પણ એક પાટીદાર હતા. ભરૂચ જિલ્લાના પાદરા તાલુકાના માસર ગામના એક આગેવાન હતા. એમનું ઘર મેડીદાર હતું, અને 'ભગત'ની પોતાને ઘેર પધરામણી કરાવવાની જેની કને આ આગેવાને અરજ ગુજારી તે ભાઈ પાટણવાડિયા હતા. એ અને એનો ભાઈ – બેઉ પાદરા તાલુકા ખાતે 'ભગત'ના ભાઈબંધો હતા : 'ભગત'ની સાથે ફરતા, 'ભગત'ને સંતાડતા, ખવરાવતા, પિવરાવતા.

એક રાત્રીએ આ ભાઈબંધે બાબરને જલાલપુરના પેલા આગેવાન પાટિદારને આંગણે આણીને પગલાં કરાવ્યાં. મકાન ઉપર મેડો હતો. મેડા પર પાટલે બેસારીને આગેવાને 'ભગત'ને ભોજન કરાવ્યું. ને પછી સંતૃપ્ત પરોણાને પોતે અરજ કરી : "મારું એક કામ કરી આલો, ભગત ?”

“હોવે, કરી આલું.” બંદૂકધારી બાબરે કૃપા બતાવી.

“એ બદલ હું તમને, ભગત, રૂપિયા પાંચશે આલું.”

“હા, કહો ત્યારે.”

“અમારા ગામના ...ભાઈ મારા હરીફ આગેવાન છે : તેનો કાંટો કાઢી નાખો.”

“બાબરને લાવનાર પાટણવાડિયો મિત્ર આભો બન્યો. પણ બાબરે માથું હલાવ્યું : "વારુ, એ કાઢી નાખું - પણ સામે મારુંયે કામ કરી આપવાની શરતે.”

“કહો.”