પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
માણસાઈના દીવા
 

તેમણે આ લોકો ક્યાં ક્યાં તત્ત્વોનાં બનેલાં છે તેની જ સમજ પાડવા પ્રયત્ન કર્યો. 'બાળક જેવા' : એ એમના કથનનો પ્રધાન સૂર હતો. એનો એક પ્રસંગ ટાંકીને અમારા આ પ્રથમ સંપર્કનો ખજાનો ખલાસ કરું છું.


૪. તોડી નાખો પુલ !

સને ૧૯૨૭ના ગુજરાત પર ઊતરેલા રેલસંકટની આ વાત છે. પેટલાદ તાબે સુંદરણા ગામમાં પોતે પાટણવાડિયાઓની હાજરી કઢાવવા ગયેલા. એક પાટણવાડિયાને ઘેર ઉતારો કર્યો. અનરાધાર વરસાદ રાતે શરૂ થયો. ઘરની પછીત પડી ગઈ. પછી કરો પડ્યો. પણ ઘરનાં સૌ મહારાજની પાસે જ બેઠાં રહ્યાં. “અરે ભાઈ, ઊઠો ને તમારે ટેકણબેકણ મૂકવાં હોય, ઘરવખરી ફેરવવી હોય, એ કરવા લાગો !” પણ મહારાજને આગલા દિવસનો ઉપવાસ, તેનું પારણું કરાવવાની પહેલી ચિંતા. સવારે ખીચડી કરાવી ને કેરી હતી તે આપી. પારણું કરાવીને મહારાજને બીજે મોકલી દીધા. પાણી તો ચડતું જ ગયું.

છેવટે પાણી એટલું ચડ્યું કે ગામને બોળી દેશે એવી ફાળ પડી. એટલું પાણી શાથી ચડે છે ? આનો કોઈ ઇલાજ નથી ? પાટણવાડિયાઓએ આવીને કહ્યું કે, “ઇલાજ છે : રેલવેની સડકનું નાળું જો તૂટે તો પાણીને મારગ મળે. હેં મહારાજ ! ધર્મજના સ્ટેશન માસ્તરને પૂછીને તોડી નાખીએ ?”

“ના રે, એ તે કાંઈ હા કહે ! જાવ તોડી નાખોને તમ-તમારે.”

નાળું લોકોએ તોડ્યું. પાણી ધર્મજ તરફ વળ્યું. ધર્મજની પરબડીએ જતું અટક્યું. આમ સુંદરણા સલામત બન્યું, એટલે મહારાજ પોતે જ્યાં રહેતા તે ગામ વટાદરાની ચિંતાથી ત્યાં જવા ઊપડ્યા. અનરાધાર મે' : રસ્તે ચાર-પાંચ ઊંડી નાળ્યો : એ નાળ્યો ઓળંગાય નહીં. પોતે ચાર-પાંચ ગાઉના ફેરમાં ખેતરોમાં થઈ વટાદરા પહોંચ્યા. જઈને જુએ તો પાટણવાડિયાના એકસો ઘરના મહોલ્લામાંથી ફક્ત ચાર ઘર ઊભાં હતાં ! જોઈને આંખોમાં આંસુ આવી ગયાં.