પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
માણસાઈના દીવા
 

સામે પક્ષે મુખી હતા, એટલે મોતી બારૈયાનું મન ધરપત ધરતું નહોતું. એણે માન્યું નહીં.

કાઠિયાવાડ તરફનો એક વાણિયો દેવકી-વણસોલમાં જઈ બે પાંદડે થયેલો. પારકું કામ પાર પાડનારા ચોવટિયાઓને મોટાઈ ખાવાની ટેવ હોય છે, તે પ્રમાણે એણે મોતીને કહ્યુંઃ"હું - હું જામીન થાઉં છું. મુખી જો ચણાવી ન આપે,તો મારે ચણાવી આપવું- જા મેલ્ય વાત પડતી, ને કર તું તારે હિલોળા!”

કાઠિયાવાડીના મોંમાંથી જ્યારે 'હિલોળા' શબ્દ પડે છે ત્યારે સાંભળનાર પોતાની ચારે બાજુ કોઈ અજબ મુલાયમપણું અનુભવે છે. શેઠિયો જમાન બન્યો, એટલે મોતી બારૈયાને પોતાનું માથું ઈશ્વરને ખોળે ઢળેલું લાગ્યું એ ઊઠીને ચાલ્યો ગયો.

ઘર વગર ઉઘાડી જમીન ઉપર રહેતા એ ત્રણેય જીવોએ દિવાળી ખેંચી કાઢી. અષાઢ-શ્રાવણના ગાંડા વરસાદ અને ભાદરવાના ભડકા જેવા તડકા તેમણે કોઈક ને કોઈક ઓથે વટાવ્યા; પણ ખંડિયેર બનેલ ખોરડાંએ નવા કાટવાળાનાં દર્શન કર્યા નહીં. મોતી બારૈયો બીતો-શરમાતો કોઈ કોઈ વાર મુખીના મોં સુધી જઈ આવતો અને મધમાં ઝબોળેલો એક જ જવાબ ગરાસિયા અમલદારની જીભેથી લઈ આવતો કે,'હા, હવે જલદી કરાવી આલશું, 'હવે વાર નથી', આ મહેમદાવાદ જઈ ગાડું કાટ્વાળો ભરી આવે તેટલી જ વાર છે'.

મહેમદાવાદથી કાટવાળાનું ગાડું આવી પહોંચે તેની વાટ જોતાં જોતાં તો બીજા વર્ષના માસ પછી માસ આવી આવી હાથતાળી દઈ નાસવા લાગ્યા. વાત ટાઢી પડી, મુખીને કોઠે પણ ટાઢશ વળી. અને ચૈત્રવૈશાખ ઉપર બીજા ચોમાસાની પણ ઠંડક વળી. પાછો ભાદરવો તપ્યો, ને દિવાળી- આતો બીજી દિવાળી- લગોલગ આવીને પછી તો મુખીની જીભ પણ કંઈક ટટ્ટાર બનીઃ "એવી ઉતાવળ હોય તો પછી જા, તું તારે ફરિયાદ કર. કરાવી દેશું સગવડ થશે ત્યારે.”

મોતી બારૈયો જુવાન હતો, અઢાર મહિનાથી ઓથ વગરનો