પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક હવાઈએ જલાવેલી જિંદગી
૨૧
 

ઘડીક તો મોતી મકાઈના ડોડાને જોઈ રહ્યો, એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કશું બોલી શકયો નહીં.

મકાઈનો ડોડો મોતીએ જમીન પર મૂકયો. પછી પોતે એની ફરતો પ્રદક્ષિણા ફરીને પગે લાગી બોલ્યોઃ "માતાજી! આજે બાવીસ વર્ષે તો તારાં દર્શન પામ્યો! ખાવાની તો શી વાત! પહેલા દર્શન જ આજ પામ્યો.”

એ પ્રદક્ષિણા સૌએ નિહાળી. શબ્દો પણ સૌએ સાંભળ્યા. એ કંઈ ટીખળ ન્હોતું. સૌનાં મોં ગમગીન બન્યાં. ગુજરાતની ધરતીનો પુત્ર બાવીસ વર્ષે મકાઈના થોડા દાણાનાં દર્શન પામીને ધન્યતા અનુભવતો હતો.

“ભાઈઓ!”મહારાજે સાથીઓને પૂછયુંઃ "હવે આ ડોડા આપણાથી ખવાશે ખરા?”

સૌએ ડોકું ધુણાવ્યું. મકાઈ ચાખવાની કોઈની હિંમત નહોતી.

“લે મોતી ! આ બધા જ ડોડા લઈ જા. શેકીને સૌ કેદીઓ ચાખજો.”

“ના રે, બાપજી! અમે એ શેકીને ક્યાં જઈને !”

એક દિવસ મોતીનો આખો ઈતિહાસ રવિશંકર મહારાજે સંગાથી રાજકેદી દાદા ગણેશ વાસુદેવ માવળંકરની આગળ ધરી દીધો. ગુજરાતના રાષ્ટ્રભકત ધારાશાસ્ત્રી શ્રી માવળંકરનું હૃદય દ્રવી પડયું. એમણે સરકારને એક દયાની અરજી મોકલી તેમાં આખો ઈતિહાસ આલેખ્યો કે આ માણસની યુવાની કેવા સંજોગોમાંથી ગુનાને માર્ગે ચડીઃ આ માણસને બાવીસ વર્ષથી વાટ જોતી એક ઓરત અને એક બેટો બેઠેલ છેઃ એની જુવાની તો ભાંગી ભુકકો બની ગઈ છે, પણ એને અવશેષ આવરદાનાં બે-પાંચ વર્ષ તો બૈરી-દીકરાની જોડે જીવવા આપો! અરજીની તાત્કાલિક અસર થઈ. એક દિવસ સરકારી કેદનાં બાકીના ત્રીસ વર્ષની માફી પામીને મોતી સાબરમતી જેલનાં બારણાંની બહાર નીકળ્યો.