પૃષ્ઠ:Mansaina Diva.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હરાયું ઢોર
૩૭
 

ખોડીઆ કાવીઠાવાળાના બનેવીને વધુ વાતચીત વગર વળાવીને તરત પુણીઓનું પડીકું બાંધી વાળી, ત્રાક ઉતારી, માળ વીંટી લઈ, રેંટિયો ઠેકાણે મૂકી, ઊઠીને બ્રાહ્મણે મારગ પકડ્યો–વડોદરાનો.

જઈને ઊભા રહ્યા પોલીસના વડા પાસે. મહારાજને હંમેશા એમની પ્રવૃત્તિમાં મદદ આપનાર એ મરાઠા હતા. તેમને પોતે ખોડીઆ કાવીઠાવાળાની વાત કરી. ખોડીઆએ એક–બે ચોરી લૂંટોમાં ભાગ લીધો છે એ પોતે જાણતા હતા; છતાં એણે સાહેબને સમજાવ્યા કે, "જો ખોડીઆને તમે બચાવી શકો તેમ હો, તો હું એને રજૂ કરું."

"ના, ના ! શા સારુ !" સાહેબ જરા જુદા તૉરમાં આવીને બોલી ઊઠ્યા : "કહેજો એને કે પેટ ભરીને લૂંટો કરે ! આ રહી મારી બંદૂક ને ગોળી." એમ કહી એણે મેજ પર પડેલી પોતાની રિવૉલ્વર પર હાથ મૂક્યો.

મહારાજ એના જવાબમાં ફક્ત નીચું જોઈને ચૂપ રહ્યા.

"કેમ, મારી વાત ગળે નથી ઊતરતી ?" સાહેબ થોડી વાર રહીને કંઈક કૂણા પડ્યા, એટલે મહારાજે દર્દભર્યે સ્વરે કહ્યું :

"શું બોલું ! બોલવાનું રહેતું નથી."

"કાં ?"

"કાં શું ? તમારી પાસે તો બંદૂક ને ગોળી છે !"

પછી પોતે સહેજ, પીપળનું પાંદ કંપે એટલી જ, હળવાશથી ઉત્તેજીત થઈ કહ્યું :

"એ બંદૂકો ને એ ગોળીઓ પેલા બાબરિયા વખતે ક્યાં ગઈ હતી, વારુ !"

બહારવટિયા બાબર દેવાની વખતની પોલીસ–નામોશીનું સ્મરણ થતાં સાહેબની ટટ્ટાર ગરદન સહેજ નરમ બની. મહારાજે ઉમેર્યું :

"પેલા બહારવટે ચડીને લોકોને રંજાડશે, ત્યારે તમારી બંદૂક–ગોળી કંઈ ખપની નહિ થાય; માટે હું તો આટલું જ કહેવા આવ્યો છું કે આ ખોડીઓ હજુ લાજશરમમાં બેઠો છે, હજુ શરણે આવી જવા માગે છે, ત્યાં જ એને અટકાવી દઈએ."