પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





ઇતબાર


પહેલો પહોર પૂરો કરીને રાત વધુ બિહામણો પછેડો પહેરતી હતી. આભના તારા, આફતમાં ઘેરાઈ ગયેલી જિંદગી વચ્ચેય સજ્જનો જેવા, વિશ્વાસે ચમકતા હતા. અંધારું વધુ ઘૂંટાયું તેમ તેમ ચાંદરડાં ચમક આપી રહ્યાં.

હોઠે આવેલી વાત પણ પાછી ઊતરી જાય, એવો એક અંધારો વગડો હતો. જાળાં-ઝાંખરાંય જાણે સાંભળી જશે, સાંભળીને ક્યાંઇક ચાડી ખાશે, એવી શંકા નીડરને પણ થાય.

મહારાજ રવિશંકર તો સાક્ષાત અભય હતા; પણ સાથે હતું આફતનું પડીકું—ભીખો દેદરડાવાળો. મૂંગા મૂંગા જ બેઉ જણા જ્યારે બોરસદથી કાવીઠાને સીમાડે પહોંચ્યા ત્યારે રાત પહેલા પહોરને ગળી જઈ બીજા પહોરનો ભક્ષ કરવા બેઠી હતી.

"હવે," જુવાન ભીખાએ ગામને પાદર પહોંચી કહ્યું, "તમે અહીં બેસો. હું જઈને એને લઈ આવું."

મહારાજ મનમાં ચમક્યા : આ તો એકલો જવા માગે છે ! બોરસદની લૉક-અપ, બ્રાહ્મણ અમલદાર, એણે ભળાવેલું જીવનનું સર્વસ્વ, આ જુવાન ડાકુનું અજાણ્યું જીવન, એની અણતાગ મનોદશા—બધાની સંકલિત ચિત્રમાળા સડસડાટ કરતી ચિત્તના પટ પર ઝળકતી ચાલી ગઈ; અને એક જ મિનિટમાં એમણે જવાબ વાળ્યો : "જા !"

૪૬