પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇતબાર
૪૯
 

"વારુ."

ત્યાં તો ભીખો બોલ્યો :

"હવે શું કરવું ? ચાલો, પાછા બોરસદ જઈએ."

રાતના બે થયા હશે. મહારાજે ગણતરી કરી : પાંચેક બજ્યાને સુમારે ચાલીશું, તો પરોઢે અંધારામાં પહોંચી શકાશે. હવે પોતે જ ભીખાને કહ્યું :

"તું થાકી ગયો હોઈશ. અહીં સૂઈ રહીએ."

"ક્યાં ?"

"તું તારે ઘેર જઈને સૂઈ રહે. હું .... ઘાંયજાને ઘેર સૂઉં છું. તું વે'લો પરોઢે આવજે."

"સારું."

ઘાંયજાને ઘેર બ્રાહ્મણને એ ત્રણેક કલાક જે નિદ્રા આવી તે રોજના કરતાં જુદી નહોતી. ઘસઘસાટ ઊંઘતા હતા. સ્વપ્ન વિનાની નીંદર હતી. ઇતબારનું ઓશીકું હતું. એને સૂતી વેળા હૃદયમાં અમૃત સીંચનારો કદાચ આવો કોઈ ભાવ હશે કે, ભીખાનાં છૈયાંને અને બૈરીને પોતે અત્યારે સુખની એક રાત આપી છે—જે પાછી કોણ જાણે કેટલાં વર્ષો લગી મળશે નહિ.

પ્રભાતનાં કિરણો ફૂટે તે પૂર્વે, અંધારૂં ભેદાયું નહોતું ત્યારથી, ઊભો ઊભો બોરસદનો બ્રાહ્મણ અમલદાર બારણું ઉઘાડું રાખીને રાહ જોતો હતો. એના તકદીરની ત્રાજૂડી તે દિવસના ભગવાન સવિતાને હાથ હતી. જેવા એણે બેઉ જણાને દૂરથી જોયા તેવા એણે જાણે ભળભાંખડામાં પણ ભગવાન દિવાકરને દીઠા. કૌતુક તો એ હતું કે આવનારા બે હતા તેમાંથી માર્ગમાં પાછા ત્રણ બની ગયા હતા. પણ ત્રીજો ખોડિઓ કાવીઠાવાળો નહોતો—શંકરિયો હતો. શંકરિયો પણ એ પ્રભાતે પોતાને ગામથી રજૂ થવા આવી પહોંચ્યો હતો. ખોડિઆનો એ સાગરીત–ગુનેગાર હતો.

કેદી હેમખેમ પાછો મળ્યો એનો હર્ષ એક અમલદાર શું કરીને બતાવી શકે ? લાગણીને દાખવવાનું વાહન એની પાસે બીજું કશું નહોતું.