પૃષ્ઠ:Mansaina Diva.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘આપણી ન્યાતની ઇજ્જત’
૫૭
 

"તમારે સારુ મોકલ્યા છે."

"કોણે ?"

"શંકરિયે મુકાદમે."

"શંકરિયો ? હાં, હાં; યાદ આવ્યું : બોરસદમાં તે દિવસે ભીખા દેદરડાવાળા સાથે શરણે થયેલો તે શંકરિયો." પૂછ્યું :

"શી રીતે મોકલ્યા ?"

"કંઈ ચોરી કરીને નથી મોકલ્યા." વીશીવાળાએ ચોખ કર્યો.

"ત્યારે ?"

"પોતાને મળતા ઘઉંના રોટલા તમને મોકલ્યા છે."

જેલોમાં મુકાદમ બન્યા બાદ કેદીઓને ઘઉંના રોટલા અપાય છે.

"અને મારા બાજરાના ક્યાં ?"

"તમારા એણે ખાવા રાખી લીધા છે."

"કારણ ?"

"એ કહે છે કે, અમારા મહારાજ આવ્યા છે તેમને ઘઉંના વધુ ફાવશે."

"વારુ, જા તું–તારે."

ખાઈ પરવારેલા બધા કેદીઓએ જોયું કે બોરસદ તાલુકેથી આવેલા આ નવા કેદીએ કશું ખાધું નથી. ઘઉંના રોટલા એમણે કોરે મૂકી રાખ્યા છે.

એ હતા મહારાજ રવિશંકર.

સાંજની વીશી આવી, એમાં પણ આ કેદી માટે ઘઉંના રોટલા આવ્યા. લાવનાર કહે કે, "શંકરિયે મુકાદમે મોકલ્યા છે અને તમારા જુવારના એણે રાખી લીધા છે."

તે સાંજનો ટંક પણ મહારાજે વગર ખાધે કાઢ્યો. વાત ચણભણ ચણભણ થતી જેલમાંના બીજા, દૂરના ચક્કરમાં શંકરિયા મુકાદમને કાને પડી. એ ઘણો દિલગીર થયો. ચોરીછૂપીથી છેવટે એ મહારાજને મળવા આવી પહોંચ્યો. પગે લાગીને પૂછ્યું : "ચ્યમ મારા રોટલા ન ખાધા !"