પૃષ્ઠ:Mansaina Diva.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
માણસાઈના દીવા
 

—આવો સાલસ ખેડુ ગોકળ બારૈયો— તો આ ચોરી કરનાર હોય નહિ !

ફરી પાછા ધર્મશાળાએ જઈ ને બેઠા. લોકો પણ ભરાયાં. જાતજાતની વાતો ચાલી. મહારાજ કોઈને કશું પૂછતા નથી, કશો બળાપો દાખવતા નથી; સૌનું બોલ્યું સાંભળ્યે જાય છે. રસોઈની વેળા થઈ. લોકો કહે : "મહારાજ રસોઈ કરો."

લોકોએ કે પોતે કરેલા દોષ માટે ઉપવાસ કરવાની તો આ બ્રાહ્મણને સમજણ નહોતી; અનશન એ એનું કામ લેવાનું સાધન નહોતું. પણ એને તો સ્વાભાવિક એક લાગણી હતી : "કેમ કરીને ખાઈશ ! પોલીસ આ લોકોને મારશે. અને મને ખાવું કેમ ભાવશે ? હું અહીંથી નાસી જાઉં !'

અંતર અતિશય અકળાઈ ઊઠ્યું. ખાવાની રુચિ રહી નહિ. કહી દીધું કે, "નહિ ખાઉં."

"કેમ ?"

"અહીં મારાથી શી રીતે ખવાય ?" એથી વિશેષ પોતે કશી સ્પષ્ટતા કરી શક્યા નહિ.

એક મુસલમાન ખેડૂત—દાજી એનું નામ—ઊભો થયો, ને સૌને સંબોધી બોલ્યો : "અલ્યા, તમારો બાપ અહીં આવ્યો છે ને ખાશે નહિ ? અલ્યા, મારો ધર્મશાળાને દરવાજે તાળું. એ નહિ ખાય ત્યાં સુધી આપણામાનો કોઈ પણ નહિ ખાઈ શકે !"

મહારાજે કહ્યું કે, "ના, હું ધર્મપૂર્વક ઉપવાસ કરું છું. તમારો ધર્મ ઉપવાસ કરવાનો નથી. તમે-તારે જાવ. "

બધાંને જમવા વળાવ્યાં તે પછી પણ લોકો આવી આવીને ગયાં. ચોરની ભાળ લાગી નહિ. રાત પડી, ભૂખ્યે પેટે મહારાજ ઓઢીને સૂતા. એકલા જ હતા.

અરધીક રાત થઈ હશે. ત્યારે સૂતેલ મહારાજના પગની આંગળી ઝાલીને કોઈ કે હલાવી. ઊઠીને નજર કરે તો એક આદમી પીઠવાળીને