પૃષ્ઠ:Mansaina Diva.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
માણસાઈના દીવા
 

એ ડબા ત્યાં ખેતરમાં પડ્યા હતા. બેઉ ભરેલા હતા. દિનભરના ભૂખ્યા બ્રાહ્મણે એક ડબો માથે અને એક હાથમાં ઉઠાવ્યો. અંધારામાં અથડાતા એ ગામમાં સીધા પેલા લુહાણાને ઘેર ગયા; પૂછ્યું :

"આ તારાને ?"

અંદર તપાસ કરીને લુહાણે કહ્યું : "આ એક મારો; આ બીજો મારો નહિ. એકમાં ઘી છે : બીજામાં તેલ છે. મારા તો બંને ઘીના હતા."

પાછા મુકામે આવીને મહારાજ તો ખાટલામાં સુઈ ગયા. સવારે જાણ થતાં જ લોકો ટોળે વળી ધર્મશાળાએ ઊભાં રહ્યાં.

"ડબા જડ્યા ! ડબા જડ્યા ! હવે તો મહારાજ ખાશે !" લોક–લાગણી ગૂંજી ઊઠી.

મહરાજે કહ્યું : "ડબા જડ્યા—પણ ન જડ્યા જેવા; આ મને વધારે છેતર્યો !"

લોકો ડાચાં વકાસી રહ્યાં. ડબા સોંપનારે દગો કર્યો હતો; ઉપરાંત ચોર પોતે તો છતો થયો ન હતો. બીજે દહાડે પણ મહારાજ અન્નપાણીની આખડી રાખી રહ્યા. લોક બેસી રહ્યું.

સાંજનો સમો થયો. એક છોકરો આવ્યો; કહે કે, "બાપજી મારા બાપા બોલાવે છે."

"કોનો છોકરો છે ?" મહારાજે પૂછ્યું.

"એવા એ ગોકરનો સ્તો !" એક જણ બોલ્યો.

"જાવ, મહારાજ, જાવ !" બીજો બોલ્યો.

"હું–હું ! ઊઠો ઊઠો !" સૌ કહેવા લાગ્યાં.

મહારાજ ઊઠ્યા. પાછળ ટોળું ચાલ્યું, એ જોઈને પોતે કહે કે, "તો મારે નથી જવું. તમે સઘળાં શીદને ચાલી મળ્યાં છો ? મને એકલાને જવા દેવો હોય તો જવા દો."

ત્યાં તો સામે ઘેરથી ગોકળે ઓસરી ઉપર ઊંચા હાથ હલાવી સાદ દીધો ; 'ઓ મહારાજ ! જે આવે તેમને આવવા દોને ! મને શો વાંધો છે ! "