પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવા મુખત્યાર છે, ભાઈ !"

સહુને આ વિગતો વાજબી લાગી. અનંત નિરાંતે નહાયો, ત્યાં નીચે બાએ શેરીની બાઈઓને એકઠી કરીને ભદ્રાનો ચૂડૂ ભાંગવાની પહેલી ક્રિયા પતાવી પણ લીધી. સગાંવહાલાં ને જ્ઞાતિજનો આ સમાચારથી રોષ ઓછો કરી શક્યાં. અનંતના સ્નેહીઓએ પણ એનામાં આ ઓચિંતી ખીલી નીકળેલી સમાધાન-વૃત્તિ વખાણી.

[૨]

સાંજે સંજવારી કાઢવાને બહાને ભદ્રા અગાસી પર ચડી છે. સૂર્યનાં ઢળતાં કિરણો પ્રતાપગઢની દરિયા-ખાડીમાં ખૂતતાં-ખૂતતાં ચાલ્યાં જાય છે. તે રીતે ભદ્રાના છેલ્લા મનોભાવો પણ જીવતરની ખાડીના કૈં કૈં કીચડમાં ભમે છે... આજથી આઠ જ મહિના પહેલાં ત્રવાડી-ફળિયાની રંડવાળ છોકરી રેવા એક બંગડી વેચનાર જુવાન મુસલમાન જોડે ભાગી ગઈ છે ને, સાંભળવા પ્રમાણે, લખનૌના મહબૂબ મહોલ્લામાં 'ગુલબીબી'ને નામે લીલાલહેર કરે છે... બીજી એક પતિની તજી દીધેલી પચીસ વર્ષની શ્રીમાળણ કાશી ગાંડી થઈને તળાવને કાંઠે ફરતી ફરતી એ તજનાર ધણીનાં ગાણાં ગાય છે... ત્રીજી સુનંદા: બાળ રંડવાળ્ય: એનો સુધરેલો મામો સાસરિયાંને ઘેર જઈ, ભાણીનું માથું મૂડતા હતા તેમાંથી જોરાવરીએ લાવ્યો; જલંધરમાં ભણાવી ગણાવી હુશિયાર કરાવી દીધી: એણે હમણાં જ દાક્તર ઇન્દ્રજીત ત્રવાડીના દીકરા બળવંતને મોહિની છાંટી, બળવંતનું ઘર ભંગાવી, બળવંતની જુવાન રૂપાળી બાયડીને બોરબોર આંસુડાં પાડતી દીકરાસોતી ઘરબહાર કઢાવી છે ને પોતે પ્રેમ-લગ્ન કરી બેઠી છે... આ બધા બનાવોએ ભદ્રાના અંતરમાં ઊંડા પ્રશ્નો ઉઠાડ્યા: હું ક્યાં જઈ રહી છું ? મારે કપાળે શું માંડ્યું છે ? મારું કોણ ? ગાંડી થઈ જઈશ તો ?

પાણીમાંથી નીકળવા ફાંફાં મારતું ઢોર જેમ ભેખડ ઉપર પગ ઠેરવવા મથે, તેમ ભદ્રાનું મન એના વિચારો ઠેરવતું હતું. રાતના દસે ઊપડતી ગાડીમાં તો પોતાના માથાની વેણી અને કાંડાંની ચૂડીના કટકા લઈ સ્વર્ગે