પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નફટાઈથી ત્રાહી પોકારીને જળકમળવત્ નિર્લેપ રહેતાં. સગાં અને પાડોશીઓ આ તમાશો જોવા આવતાં ત્યારે મંછાની બા પોતાની 'બાર સુવાવડો'ની વાત ગર્વભેર કરવાનું ચૂકતાં નહિ અને ધીરુ પેલા ચીરાની વાત કહ્યા વગર રહેતો નહિ.

સવાર પડે ને ધીરુ છેક રસોડા સુધી ચાલ્યો આવે; કહે કે "જરી મગનું પાણી કરી આપજો તો !"

"સાસુ કહે: "સારું; તમે જાઓ. હું આપી જઈશ. ચૂલો સળગાવવા દ્યો."

અડધો કલાક થાય ને ધીરુ આવીને ઊભો જ હોય: "દૂધ ગરમ થયું કે નહિ ?" સાસુ કહે: "થાય છે."

થોડીવારે વળી પેશબ-ઝાડાનાં ઠામડં લઈને ઊભો રહે: "આમાં પાણી રેડજો તો ! ધોઈ નાખું"

"જરી આ નળિયામાં દેવતા દેજો: ધૂપ કરવો છે." "ગરમ પાણી દેજો: શરીર લૂછવું છે." આવી આવી નાનીમોટી સતામણીઓ ધીરુ તરફથી એટલી બધી વધતી ગઈ કે મંછાની બાને જમાઈ કોઈ પૂર્વભવનો વેરી દેખાવા લાગ્યો. અને જમાઈ ઉપરની દાઝને એ દીકરાની વહુ ઉપર ઠાલવવા માંડ્યાં: "તમે શીદ મારા ઉપરવટ થઈને બધું આપો છો ? તમારી દયા શીદ એટલી બધી ઊભરાઈ જાય છે !"

તાવ ઊતર્યો છે. મંછા આંખો ઉઘાડે છે. નાના બચ્ચાને ધીરજલાલ પડખામાં સુવારે, તેને ધવરાવે છે. પણ એનું મગજ ખાલી થઈ ગયું છે. એના જ્ઞાનતંતુઓ જળી ગયા છે. એને પોતાની બેહાલ દશાની જાણ નથી. એ સૂતીસૂતી સાંભળે છે કે બા કાંઈક અફસોસ કરે છે: આ સહુ સાંભળે તેમ બોલી રહેલ છે કે, "અરેરે માડી ! મારી દીકરીની એબ સગે ભાયડે ઊઠીને દાક્તરને દેખાડી ! દીકરીને બિચાડીને માથે એને ઘેર પણ આવા જ હવાલ હશે ને ! આટલે નાનેથી દીકરીને વળી ઘર શાં ને વર શાં ? - આ એના મગજમાં નવા જમાનાના વિચારો શા ? એના ભાઈબંધ દોસ્તારો