પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


ચોટલે ઝાલીને


"તો પછી એને ચોટલે ઝાલીને ઉપાડી જવી જોઇએ;" પ્રોફેસર ઇન્દ્રજિતે ઊઠતાં ઊઠતાં કહ્યું. સુખદેવ ડોસા એની સામે સુખભરી પણ શંકાશીલ અને દયામણી આંખે તાકી રહ્યા: "સાચેસાચ શું એ તમારો મત છે ? મશ્કરી તો નથી, પ્રોફેસર !"

"ના, ના;" કહીને પ્રોફેસર ઇન્દ્રજિત ફરી પાછા ખુરસી પર બેઠા. "હું કટાક્ષ નથી કરતો; મારો સાચો મત કહું છું. એ તમારા દીકરાની કાયદેસરની સ્ત્રી છે. એ ન માને તો તમારે એને ચોટલે ઝાલીને - હું તો એટલે સુધી સળગું છું કે મુંબઈના ચાર ગુંડાઓ તેડાવીને - પણ એને લઈ જવી જોઇએ."

"શાબાશ, ઇન્દુભાઇ !" સુખદેવ ડોસાના બન્ને ગાલ ઉપર કોઇ જોબનવંતી સ્ત્રીના જેવી ચૂમકીઓ ઊપડી. "આજ સુધી હું એકલો પડી ગયો હતો. કોઇ મારું નહોતું રહ્યું. જેઓને મેં મરતા બચાવ્યા છે, લાગવગ લગાડી જેના છોકરાઓને નોકરીઓ અપાવી છે, તેઓ પણ આજ મને મારી પુત્રવધૂ પાછી મેળવી આપવાની મદદ દેવાને બદલે ઊલટાના મારા પ્રયાસો આડે પથ્થરો નાખે છે; મને પોતાને આંગણે ઊભવા નથી દેતા. હું એકલે હાથે મથી રહ્યો છું. મને બીજાનો તો ડર નથી. હુંય નાગાનો સરદાર થઈ શકું છું... મેં પંચાવન વર્ષ પાણીમાં નથી કાઢ્યાં. મેંય પાકી ત્રીસ સાલ સુધી મુંબઈ વેઠી છે. હું બધા દાવ રમી જાણું છું. પણ મને ખરેખર, ઇન્દ્રજિતભાઇ, તમારી જ બીક હતી. તમે શહેરના જુવાનોને મારી સામે સિસકારો તો મને એ ફાડી ખાય, એવો મારા દિલમાં ફડકો હતો. પણ જો તમે મારા પગલાંમાં સંમત હો, તો હું એકલો બીજા સહુને પૂરો પડીશ.