પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ચોટલે ઝાલીને !' એ એના શબ્દો વેદના મંત્ર જેવા સાચા છે. હવે મને છાતી આવી ગઈ. હવે તું મુંઝાઇશ નહિ. હું લાખોનાં આંધણ મૂકીશ. દુનિયાને દેખાડી દઈશ કે કુળવાન માણસ પોતાની આબરૂ સારુ શું શું કરી જાણે છે."

કુલીન પિતાની આબરૂનો આ પ્રશ્ન મેરુ પર્વતથી પણ મોટો હતો. સદાય રમણ જોતો આવતો હતો કે આબરૂ અને કુલીનતા ખાતર જ પિતાનું જીવતર હતું. આબરૂની વેદી ઉપર આત્મ-સમર્પણ કરનાર બાપને રમણ દેવ સમ ગણતો. એ માનતો કે પોતે, મુક્તા અને આખો સમાજ બાપુના કુળની આબરૂ આબાદ રાખવાનાં જ પુનિત સાધનો છે.

એણે પિતાની વાતના વિરામચિહ્ન તરીકે હંમેશની માફક ઉમેર્યું કે, "જી હા !"

સુખદેવ ડોસા મુક્તાને 'ચોટલે ઝાલીને' ઉઠાવી જવાની વેતરણ ઉતારતાં ઉતારતાં બોલ્યા: "હું આખી બાજી ગોઠવી રહ્યો છું. એના મુખ્ય પાત્ર તરીકે તારું જ સ્થાન રહેશે. તારે મુક્તાને છેલ્લી વારના એક મેળાપના બહાને, તારા તરફથી એને ચાહે તેની સાથે જીવન ગાળવાની ફારગતી આપવાને નિમિત્તે, તેડાવવાની છે. કાગળનો મુસદ્દો હું ઘડી દઈશ. એ આવે એટલે પછી હું બીજા માણસો મારફત જ કામ લઈશ. હું એક મોટરનો ને ચાર માણસોને જોગ કરી રહ્યો છું."

"જી હા !" રમણના રાતા હોઠેથી સનાતન વિરામચિહન સર્યું.

પોતાના ઓરડામાં જઈ રમણ એક ખુરસી પર ઉપર ઢગલો થઈ પડ્યો. એના કાનમાં પેલા શબ્દો ગાજતા હતા: 'ચોટલે ઝાલીને...'એ શબ્દો નવા હતા. કદી નહિ સાંભળેલા. એની આંખો મળી. એણે સ્વપ્ન દીઠું. મુક્તાને ચોટલે ઝાલી ઘસડી જતો પ્રો.ઇન્દ્રજિત દીઠો. એ ઊઠ્યો. મોઢું ધોયું. લખવા બેઠો. આ પહેલી જ વાર એણે પોતાની પ્રેરણાથી કાગળ લખ્યો:

મુક્તા,

અરીસામાં બહુ બહુ જોયું કે, તને કંટાળો આવે એવું એવું મારામાં શું છે !