પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપની આ કંગાલિયત ન સહેવાયાથી દેશાવર ચાલ્યો ગયેલો. પિતાની ભેરે હતી માત્ર પુત્રી ચંપા. છાપામાં કે ચોપડીમાં કંઇક સારો લેખ અથવા છબી આવે તો `ચંપા ! બેટા, અહીં આવ તો !' કહી બોલાવતા, અને એને પાસે બેસારી એના માથા પર હાથ મૂકી એ નવું લખાણ કોઈ અજબ છટાથી વાંચી સંભળાવતા.

"હવે ચંપાનો ભવ શીદ બગાડો છો ?" કહેતી સ્રી હાથમાં હાંડલું હોય તો હાંડલું ને સાવરણી હોય તો સાવરણી લઈને દોડી આવતી. "તમારો ને મારો બગડ્યો તે ઘણું છે ! એના મગજમાં શીદ ભરો છો આ પસ્તીના ડૂચા ! એને વેઠવાનું છે પારકું ઘર : એટલું તો ભાન રાખો !"

"ના, મારે તો ચંપને પરણાવવી જ નથી."

"લ્યો, જરા લાજો - લાજો બોલતાં."

"અરે ગાંડી, વિલાયતના વડા પ્રધાન મૅકડોનાલ્ડની દીકરી, એના બાપ ભેળી જ રહીને બાપનો વહીવટ કરે છે: ખબર છે ?"

"હા, એટલે તમેય રાખજો ચંપાને તમારી પસ્તીનો વહીવટ કરવા."

"બસ, હું બનીશ મૅકડોનાલ્ડ, ને મારી દીકરી ચંપા બનશે મારો મંત્રી : ખરું ને, બેટા ચંપા ?"

ચંપાને બાપની અનુકંપા આવતી. છાનીછાની આવીને ચંપા બાપુ પાસેથી રોજનું નવું છાપું જોઈ જતી. મા આઘીપાછી હોય ત્યારે બાપુને ચાનો વાટકો પણ ઝટઝટ તલસરાં બાળીને કરી દેતી.

બહેન ચંપાનું સગપણ એના ભાઇ હરિચંદે કાલીકટમાં બારોબાર મોરલીધર વેરે કરી નાખેલું અને તેના સમાચાર એણે પોતાની બાને પહોંચાડેલા - કે જેથી બા તાબતડોબ બાજુના કોઇ ગામડામાં જઈને હરિચંદનું સગપણ પણ કરી કાઢે. મોરલીધરને બીજી કોઇ કન્યા આટલી સસ્તી સાંપડત નહિ; અને હરિચંદનું વેવિશાળ પહેલી વારનું છતાં વગર કોથળીએ થાત નહિ. ચંપાનો વકરો એ રીતે ખપ લાગી ગયો અને બન્ને ભાઇ-બહેનનાં લગ્ન લેવાનું નક્કી થઈ ગયું. ફક્ત ચંપાનો બાપ `બાલીસ્ટર' જ આમાં રાજી નહતો. એ ઘરના મેડા ઉપર બેસીને બબડતો જ રહ્યો.