પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચલાવી: "આટલી ઉમ્મરે દાંત કેમ પડી ગયા ? ગામડિયા ભૂત ખરા ને, એટલે માવજત નહિ રાખી હોય."

ઘેરથી ઘડીને લાવેલ રોટલાનો ભુક્કો કરીને મોંના પેઢાં વચ્ચે મમળાવતો મમળાવતો સામત હસીને બોલ્યો: "દાંત તો ઢાંઢે પાડી નાખ્યા છે ઢાંઢે, બાપા !"

"ઢાંઢે એટલે બળદે ?" વિદ્વાને અર્થની ખાતરી કરી.

"હું બગોયે વાડી વાવતો. જાતજાતની લીલોતરી શાક કરતો. એક દિ' કોસ હાંકું છું, એમાં મેં ઢાંઢાને ખૂબ માર્યો. કોસ ઠાલવીને ઢાંઢા પાછા વાળું છું, ત્યાં આની નજર પડી..."

સજૂએ વાત ઉપાડી: "હું ધોરિયાની કાંઠે બેઠી બેઠી રોટલો ખાતી'તી એમાં મારી નજર પડી કે, ઢાંઢો એમ ને એમ થાળા ઢાળો પાછલે પગે હાલ્યો જ જાય છે. જોઉં-જોઉં ત્યાં તો પટલને ઢાંઢે ઠેઠ થાળાની કોર સુધી ધકેલ્યા. મેં રાડ્ય પાડી કે, નીકળી જાવ. પણ ઇને તો ઢાંઢો કૂવામાં પડવાની બીક -" આટલું બોલતાં જ બાઈને વેદના ઊપડી, એ ગોટો વળી ગઈ. ત્યાંથી પાછો વાતનો તાર પટેલે સાંધી લીધો:

"એટલે મેં થાળામાં પગ ટેકવીને ઢાંઢાના પાછલા બે પગ વચ્ચે માથું નાખ્યું. ઘણું જોર કર્યું; પણ ઢાંઢો મારે માથે આવ્યો - મને ભીંસી દીધો. મારું જડબું થાળાના પાણામાં ચેપાણું. ઢાંઢો મારે માથેથી અળગોટિયું ખાઈને જઈ પડ્યો કૂવામાં."

બાઈને જરી શાંતિ વળી, એટલે એણે વાત ઉપાડી લીધી:

"અને આને મોઢે લોહીનાં પરવાળાં વયાં જાય છે; દાંતનો ઢગલો નીકળી પડ્યો છે. મારા તો શાકાળા હાથ: એમ ને એમ, ધોયા વગર, હું તો ધ્રોડી. પટલ કહે કે, મને નહિ, ઝટ ઢાંઢાને બચાવો. હું તો ધ્રોડી ગામમાં. ઝાંપડાને કહ્યું કે, ઝટ ઢોલ પીટો, ઢોલ પીટો: તમારા ભાણેજને ચેપી નાખીને ઢાંઢો કૂવે પડ્યો છે. હું ગામમાં ફરી વળી. માણસું ધ્રોડ્યાં આવ્યાં. હું ઘરેથી ગોદડાં લઈ આવી."

"ગોદડાં ?" વિદ્વાન ચમક્યો.