પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેડું લઇને એ પોતાની ખડકીમાં દાખલ થાય છે તે જ ઘડીએ બેડું પછાડીને ઘરની વંડી તરફ ધસે છે. વંડીએથી એનો ધણી વંડીની બહાર ઊભેલા એક ગરાસદારને પોતાનો છોકરો ચોરીછૂપીથી આપી રહેલ છે.

"તારાં.. મરે રે મરે, મારા રોયા !" એમ ચીસ પાડતી એ ઢેઢડી પોતાના ધણીના હાથમાંથી છોકરાનો પગ ઝાલી ઝોંટ મારે છે. એ ઝોંટમાં ને રકઝકમાં ઢેઢડીના છોકરાનો જીવ જાય છે.

ધણીએ બાઇને પાટુ લગાવીને કહ્યું: "રાંડ ! તારો છોકરો સામા ગામનો કુલહોલ ગરાસ-ધણી થાત, ને આપણને પચાસ રૂપૈયા મળત. રો હવે મારા બાપનું મોં વાળીને !"

"તારા ગરાસમાં મેલને અંગારો, રોયા ! રૂપૈયાને મારે શું કરવા છે ! મને પારકાના ગરાસ સારુ છોકરા વગરની કરી !" એક કહીને એ ઢેઢડીએ બાળકના શબ પર હૈયાફાટ રુદન માંડ્યું.

ત્રણ પારકા છોકરા મૂઆ તે પછી પણ નજીક અને દૂર, ગામડે ગામડે, તાજા જન્મેલા છોકરાઓની શોધ ચાલુ હતી. બ્રાહ્મણથી લઇ ભંગી સુધી હરકોઇ ઘરનો 'દીકરો' ચાલે તેમ હતું. જેમને જેમને 'દીકરો' બનાવી દેવામાં નાનો-મોટો સ્વાર્થ હતો તે સર્વની લાગણીઓએ એક 'દીકરો' નક્કી કરવાને સારુ જેટલાં છોકરાંને જોખવામાં પડે તેટલાંનો ભોગ લેતાં જરીકે થરથરાટી અનુભવી નહોતી.

છેવટે જ્યારે નક્કી થયું કે આ શોધ છેક જ નિરર્થક છે, અને દિવસો પર દિવસો દોડવા લાગ્યા, ત્યારે એક રાત્રીએ સુવાવડી બાઇને એની નાની પુત્રી સહિત ગઢમાંથી પાછલી દિવાલેથી ઉપર ચડાવીને બહાર કાઢી. ચોકિયાતોને રાજી કરી એને પિયર લઇ જવામાં આવી. નાની બાળકીને પણ મારી નાખવામાં આવી, અને જાહેર કરવામાં આવ્યું કે, કુંવર ગુજરી ગયા છે.

આ ખબર ડેલીએ પડ્યા એટલે અમલદાર પડાવ ઉપાડી ચાલ્યા ગયા. અને મૂએલા ગામેતીના વારસાનો કબજો પેલા મલમલના પોશાકવાળા પિતરાઇને સોંપી દેવાનું ઉપલી કચેરીમાંથી નક્કી થઇને આવી