પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા... હા ! ક...સુ...વા...વ...ડ થઈ ગઈ - એમ કે ?" ધનેશ્વરની વિધવા બહેને અક્ષરો મરડી-મરડીને છણકો માર્યો: "આંઈ બામણનાં ખોળિયાં રહે છે: ખબર નહિ હોય ! હમણે ખબર પડશે ! મોટાભાઈ પોલીસ-ચકલે જ ગયા છે."

પોલીસના હાથમાં ગર્ભપાતનો ગુનો આવ્યો, એટલે એ તપાસે ચડી. ધનેશ્વર અને તુળજાશંકરે પોલીસ-ચોકસીમાં સહાય લીધી. પોલીસથી મુદ્દાનો તાંતણો સંધાતો નહોતે: ગર્ભપાતની સાબિતી શી ?

"એ મેળવી આપવાનું મારું કામ;" તુળજાશંકરે બીડું ઝડપ્યું: "હું તો અનુભવી: સમજી શકું ને ?"

અદાલતમાં તુળજાશંકરે સાહીદો ઊભા કર્યાં: એક, આથમણા વાઘરીવાડની જીકુડી વાઘરણ; અને, બીજાં, ખાંચાનાં પાંચ બૈરાં જેમાં ધનેશ્વર ત્રવાડીની વિધવા બહેન પણ હતી. એ પાંચેય જણીઓએ તે રાતની બીનાની કાનોકાન સાંભળેલ સાહેદી પૂરી.

અદાલતમાં જીકુડી વાઘરણને પ્રોસિક્યૂટરે પૂછ્યું કે "તારી પાસેથી ગંગા ગાજરનાં બિયાં લઈ ગઈ હતી કે ?"

"ઓહોહોહો !" જીકુડી છણકો કરીને બોલી: "ઈમાં શું અવડું પૂછો છો ? કુણ નથી લઈ જાતું વળી ! આ ધનેશર ગોરનાં બૂન સામાં ઊભાં -" ધનેશ્વર અને તુઅળજાશંકર બેઠા હતા, તેની સામે જોઈ જીકુડી એ કહ્યું : " ડોળા શીદ ફાડો છો, ભા ! રાખોને હવે બધી સદ્ધાઈ !"

માજિસ્ટ્રેટે મીઠાશથી પૂછ્યું: "બાઈ, તું શાંત થા; ગભરાય છે શીદ ? જો, મારી સામે જોઈને કહે: હું ડોળા નહિ ફાડું. મને કહે - તું આવાં ઓસડિયાં શા સારુ રાખે છે ?"

"જુઓ ! બાપ સા'બ! પેટછૂટી વાત કરું છું. માથે મેલડી છે. અમે વાઘરી લોક:કૂબામાં રે'નારાં: ટાઢ-તડકો વેઠી, તૂટી મરી માંડ-માંડ રળનારાં, મરી રઈએ... કળશી છોકરાંને ખવરાવીએ શું ? આ એટલે, બાપા, અમારે અમારાં બાળને હણવા સારુ જ નીચ ઉપાય કરવા પડે છે."

"દવાઓ વેચો છો ?"