પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પીધી. એ આગળ ચાલ્યો. ક્યાં જાય છે તેનું એને ભાન પણ ન રહ્યું, પરવા પણ ન રહી. એ કોઈ પણ ઉપાયે પેલા અવાજનું અને પડછાયાનું ધ્યાન ચુકાવીને નાસવા માગતો હતો.

રસ્તે આજે મખમલિયા ડુંગરનો જબ્બર મેળો ચાલે છે. રાસડાની ઝૂક બોલે છે. કલ્યાણ રાસડા સાંભળવા ઊભો રહ્યો. થોડી વારે પોતે પણ વચ્ચોવચ્ચ જઈ કૂંડાળે ફરવા લાગ્યો. ’કોઈ ગાંડો ! કોઈ પીધેલો ! કોઈ છાકટો !’ એવી ચીસો પડી, અને રાસડો વિંખાઈ ગયો. ત્યાંથી કલ્યાણ માર ખાતો નીકળ્યો. ફરીવાર એણે દાંત ભીંસીને દારૂ પીધો. પછી ચાલ્યો. ચકડોળ અને ફજેતફાળકા ફરતા હતા. એક બેઠકમાં ઓરતો બેઠીબેઠી ખાલી રહેલી જગ્યામાં બેસવા પુરુષોને બોલાવી રહી હતી.

પાંચ-દસ પુરુષોને ધકાવી, જગ્યા કરી કલ્યાણ એ ખાનામાં ચડી બેઠો. ને પછી એની બધી મરજાદ છૂટી ગઈ. એ ઘૃણિત અવસ્થા જાણે કોઈને પોતે અંતરિક્ષમાં દેખાડી રહેલ હોય તે રીતે બોલવા લાગ્યો : "કેમ ? હજુય નથી સમજવું કે ? હજુ નથી લાજ આવતી ? સારાં ઓઝલ-પરદાવાળાંનું આ કામ છે કે ?"

અને ચકડોળ ઊપડ્યો. બે સ્ત્રીઓના ગળામાં હાથ નાખીને કલ્યાણ રીડિયા કરવા લાગ્યો : "એ જાય ભાગ્યાં ! ઓ જાય ભાગ્યાં ! ઓ...હો...હો...હો... !"

અને એ આકાશ-પાતાળના ફંગોળા ખવરાવી રહેલ ચકડોળમાં કલ્યાણ ઊભો થઈ ગયો. "ઓ જાય ! ઓ જાય ભાગ્યાં ! ઓ જાય !" એવી ઉન્માદભરી કિકિયારી કરીને એણે પોતાના હાથ છોડી દીધા : છેક ઊંચે ચડેલા ખાનામાંથી એણે પડતું મૂક્યું... "ઓ જા...ય !" એવો એક ઉચ્ચાર - અને એનો દેહ પછડાઈને ભોંય પર છૂંદો થઈ ગયો.