પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચીભડું લઇ, કશી ચર્ચા, માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતી ચાલે ચાલ્યો ગયો, ચીભડાં ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવું કવાલી-ગીત ગાતો ગયોઃ

એય બેઇમાન દિલબર, જોબન લૂટાનેવાલા !

કોળી અને કોળણ એકબીજાં સામે જોઇ રહ્યાં. બાઇ તો ઝેર પી ગઇ હતી; હસીને બોલી: "આય એક તાલ છે ને !"

"તને ઓળખે છે ?" ધણીની આંખોમાં ઠપકો હતો.

"તમારું તે ફટકી ગયું છે કે શું ?"

"ચાર પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય, તોય તું દાંત કાઢછઃ કેમ જાણે તારા પિયરનો સગો હોય !"

"હવે જાતી કરોને...” બાઇએ ધણીના વાંસામાં હાથ ફેરવ્યો. "જોને, તમારાં લૂગડાં એક મહિનામાં મેલાંદાટ થઇ ગયાં છે, આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દેઃ ત્યાં ખારોપાટ છે. તે સંધાય લૂગડાં ત્યાં ઘસી-ભૂસી, ચોળીને હડમાનની કૂઇએ રૂપાળાં ધમધમાવી નાખું. હાલો, મારો વા'લો કરું - હવે એકાદ લલકારો કરો જોઉં !"

ધણીના કલેજાની કળ જાણે કે આ સુંવાળાં વચનો વડે ઊતરી ગઇ."માતાના સમ ! મને શરમ આવે છે."

"હેઠ્ય નાની વઉ !" કહીને કોમળ કંઠે કોળણે સૂર છેડ્યાઃ "એ..આ શરબતના કૂંપા લઇ જાવ ! આ દુધિયા માલ લઇ જાવ !"

સાંજ નમતી હતી. વર-વહુના ચહેરા ઉપર પશ્ચિમનાં કેસૂડાં જાણે રંગ ઢોળતાં હતાં. આથમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ-ભરપૂર ખાખરાનાં કેસરિયાં વન ખડાં કર્યાં હતાં. વાદળાઓમાં રમતી વગડાઉ છોકરીઓ એ વન-ફૂલને વેડતી હતી.

"સાંજે આપણે જાયેં ત્યારે ચાર દિ'ના પૈસા તમારી પાઘડીના માંયલી કોરના એક આંટામાં બાંધી લેજો, હો ! રસ્તે કાઠીનું ગામ છે.."

"પણ ઇ તો પાઘડીય નહિ પડાવી લ્યે ? રાતા મધરાસિયાની પાઘડી કાંઇ કાઠી એમ મૂકી દેશે ?"