પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહેલું પણ ખરું કે "તારા પડખાની વાડીવાળો હરજી વડોદો છ મહિને ફાટી પડે એવા મરણ-જાપ કરવા હું બેસી જાઉં - તું જો ખરચ કરી શકે તો !" આમ વ્યાસજીને આ ઘર સાથે ઘાટો વહેવાર હતો. પૂતળી ડોશીને ખાતરી હતી કે, વ્યાસજી તો સોળવલું સોનું છે.

કાનજીએ વ્યાસજીને મારેલ મિચકારા એળે ન ગયા. વ્યાસજીએ કહ્યું: "ના ના, માડી, આ તો વેઠના વારાની ચિઠ્ઠી છે !"

"અરેરેરે માડી ! એમ થયું ? તયેં ઇ ફારગતી ક્યાં મૂકાઈ ગઈ હશે ? આ તો હું સીતેર વરસની ડોશી ખોટી પડી ને !"

"ત્યારે હવે ચોથા કાંધાનું કેમ કરશું, પૂતળીમા !" કાનજી મુદ્દાની વાત પર આવી ગયો.

"ઈ ચિઠ્ઠી લાવજો, ભાઈ !"

"ચિઠ્ઠી ! મેં તમને પાછી આપીને ! તપાસો તમારાં લૂગડાં... મારી પાસે નથી..."

એકાએક પરબતની વહુ લાજના ઘૂમટામાંથી કળકળી ઊઠી: "એ ફૂઈ ! એ... ચિઠ્ઠી કાનાભાઈના મોઢામાં રહી ! એ... ચાવી જાય ! લે ! લે ! કાનાભાઈ ! આ ધંધા !"

પૂતળી ડોશી સજ્જડ થઈ ગયાં: "ચિઠ્ઠી કાનજીભાઈ ચાવી ગયો ? કાનજી દામજીનું ખોરડું ઊતરી ગયું ? વ્યાસજી ! શંકર આવું સાંખી લ્યે છે ?"

"ડોશી ! ઝાઝી વાતનાં ગાડાં ભરાય. ને હવે ચીંથરાં ફાડો મા: ચોથું કાંધું ભરી દ્યો: મારે ખોટીપો થાય છે."

સાંજે પરબત વાડી પાઈને પાછો આવ્યો. રાતે ને રાતે કાનજી શેઠ એનો ગોરીઓ ગોધલો કાંધા પેટે છોડાવી ગયા.

બીજે દિવસે સવારે પરબત જ્યારે પહોર-દિ' ચડ્યે જાગ્યો, ત્યારે ગમાણમાં એકલા-અટૂલા બેઠેલા બંધુહીન ખૂંટીયાનું કાંધ બે કાગડા ઠોલી રહ્યા હતાં.