પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન ગાઇએ... પણ વહુ તો હતી લખણની પૂરી, હો !"

મસાણેથી પાછા વળતાં પણ ગામની બજારને એક છેડેથી બીજા છેડા સુધી મોતીશા એવો તો ઠુઠવો મૂકીને, 'વહુ રે ! મારી વહુ ! મારા દીકરા રે ! મારા ઘરના દીવા રે !' એવા કરુણ બોલ બોલતા બોલતા રડતા હતા કે જેઓને ઘેર ત્રીજી વારની દીકરા-વહુઓ આવી હતી તેઓને પણ રોવાનું મન થતું હતું. ખીમચંદ ભરાડી (ગામમાં ખીમચંદ શેઠની અટક જ 'ભરાડી' પડી ગયેલ) વાત કરતો હતો કે, "આ સગે હાથે મેં ત્રણ દીકરા-વહુઓને દેન દીધાં છે, ને સગી આંખે મડદાં બળતાં જોયાં છે; પણ આજે મારીયે છાતી થર્ય નથી રહેતી." મોતીશા શેઠ સાંભળી શકે તેવી રીતે બોલાયાથી એમને વધુ રડવું આવેલું. અને ખીમચંદ ભરાડી એવા મોકાનું બોલેલો કે પાછળથી મોતીશાએ ખીમચંદનું બધું કરજ માફ કર્યું હતું.

ડાઘુઓ થોડી વાર અનાજના ભાવ, અમેરિકાનાં રૂનાં બજાર, ગામનાં વસવાયાં લોકોની વધી પદેલી ફાટ્ય... વગેરે પરચૂરણ વિષય પર વાતો કરી શેઠનું મન વહુના શોકમાંથી બીજા વિચારે વાળી લઇને બપોરે બાર વાગે વિખરાયા. તે પછીના અરધા કલાકની અંદર આટકોટવાળા ફૂલા શેઠ, જેતપુર-હાઇસ્કૂલના હેડમાસ્તર મોરારજી ઠેબાણી એમ.એ. રાજકોટના સુધાકર બારિસ્ટરનું ખાસ આવેલું માણસ અને ખમીસાણા ગામડાનો પ્રેમજી વાણિયો એમ ચાર કે પાંચ જણ આવી ગયા. શેઠની ગાદીની નજીક જઇને ગરીબડે મોંએ કાનમાં કંઇક કહી પણ ગયા. એ વાતોમાંથી 'શ્રીફળ', 'છબી', 'ઉમ્મર', 'ગોરો વાન', 'નમણાઇ', 'ખાતરી કરો', 'બીજે થાય નહિ, હોં !', 'ગૂંજે ઘાલીએ' એવા શબ્દો ખાસ સંભળાઇ આવતા હતા. એ સહુને મોતીશાએ ટૂંકો જ જવાબ આપ્યો કે, "હું જોઇશ; તમને પૂછ્યા વિના નહિ કરું." સૌમાંથી ખમીસણાવાળા પ્રેમજી વાણિયાની સાથે મોતીશાએ વિશેષ ચોકસાઇથી વાતો કરી.

[2]

"લ્યો. વેવાણ ! હું ત્યારે રજા લઉં છું. બોલ્યુંચાલ્યું માફ કરજો !" મરેલી વહુનો બાપ, કે જે બાબરાની અંગ્રેજી શાળાનો 'આસિસ્ટંટ' માસ્તર