પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૬૧
 


ભરેલા એક પગલાની દૂરગામી અસર એની પર પડી. એ વર્ષે એના પાંત્રીસ વરસની ઉંમરના કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ ભાઈ જોહાને લિન્ઝ નગરમાં પોતાની માલિકીના વિશાળ મકાનમાંથી થોડા ઓરડા વિયેનાના એક ડૉક્ટરને ભાડે આપેલા. ત્યાં એ ડૉક્ટર એની સાળી થેરિસા ઓબર્મેયર સાથે રહેતો હતો. આ છોકરી અત્યંત આકર્ષક હતી. એણે જોહાનના ઘરની દેખરેખ રાખવાનું હાઉસકીપિન્ગનું કામ શરૂ કર્યું. જોહાને એના પ્રત્યે જબરજસ્ત ખેંચાણ અનુભવ્યું અને પછી તો એ બંને લગ્ન વગર જ સાથે રહેવા લાગ્યાં. આ સમાચાર મળતાં જ બીથોવને તરત જ લિન્ઝ આવી જઈને આ સંબંધનો તત્કાળ અંત લાવવા હુકમ કર્યો. સ્વાભાવિક જ, મહાન સંગીતકારનો હુકમ જોહાનને પસંદ પડ્યો નહિ. પણ જોહાનના વિરોધથી વીફરેલા બીથોવને લિન્ઝના બિશપ, મ્યુનિસિપાલિટીના વડા તેમ જ પોલીસ અધિકારી સમક્ષ જઈ ફરિયાદ કરી એટલું જ નહિ, એ તો પોલીસ પાસેથી એવો હુકમ કઢાવીને જ જંપ્યો કે એ છોકરી જો અમુક સમયમાં લિન્ઝ નગરનો ત્યાગ કરે નહિ તો પોલીસ એને તગેડી મૂકે ! બંને ભાઈઓ બાખડી પડ્યા. પોતાની મનગમતી આ છોકરી જોડે જોહાન એ વર્ષે નવેમ્બરની આઠમીએ પરણી ગયો. હાર સ્વીકારીને નીચી મૂંડીએ બીથોવન વિયેના પાછો ફર્યો. પણ દુર્ભાગ્યે આ લગ્ન સુખી નીવડ્યું નહિ ! એ માટે એ બીથોવન પર દોષનો ટોપલો ઢોળતો રહ્યો કે એણે જ પોતાને એ છોકરી જોડે પરણી જવા માટે મજબૂર કર્યો !

બ્રિટન

1813માં બીથોવને બ્રિટન જઈ સ્થિર થવા વિચારેલું એની પાછળ બે કારણો હતાં. જર્મની અને વિયેના યુદ્ધમાં ફસાયેલાં હોવાથી એનું વર્ષાસન સાવ જ ઘટી ગયું હતું અને બીજું કે બ્રિટનમાં એની પ્રતિષ્ઠા મોટી હોવાને કારણે ત્યાં સારી કમાણીની આશા હતી.