પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૭૩
 
જાબીર ઇબ્ને અફલહ

અબુ મુહમ્મદ જાબીર ઇબ્ને અફલહ અલ ઈશ્બીલી સેવિલ, સ્પેનમાં ૧૧મી સદીના અંતમાં જન્મ્યા હતા અને ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી જાબીર ઈબ્ને અફલહ બીજા બે પ્રસિદ્ધ જાબીરને લીધે પશ્ચિમી જગતમાં ગુંચવાડાનો ભોગ બનતાં રહ્યાં છે. એ બે પ્રસિદ્ધ જાબીર હતા રસાયણશાસ્ત્રી જાબીર ઈબ્ને હૈયાન અને ખગોળશાસ્ત્રી મુહમ્મદ ઇબ્ને જાબીર અલ બત્તાની. જાબીર ઈબ્ને અફલહના બાળપણ વિશે કોઈ માહિતી મળતી નથી. તેઓ પ્રસિદ્ધ થયા ટૉલેમીના 'અલમાજેસ્ત' ના નવમાં ભાગમાં સુધારા વધારા કરવાના કારણે. આ અરબી હસ્તપ્રતનું નામ ઈસ્લાહ અલ માજેસ્તી છે. આનો હિબ્રૂ અનુવાદ મોજેઝ ઈબ્ને તીબોનએ ઈ. સ. ૧૨૭૪માં કર્યું હતું. આ ઉપરાંત જાબીરના બીજા ગ્રંથો લેટીન ભાષામાં અનુવાદિત થયા છે. જાબીરે કેટલીક બાબતોમાં ટૉલેમીની પણ ટીકા કરી છે. આ ટીકાને લીધે તેઓ પશ્ચિમી વિદ્વાનોએ જાબીરના કાર્યોનું ઋણ ઘણી જગ્યાએ સ્વીકાર્યું હતું એવું એમનો પ્રભાવ હતો. વેલીંગફોર્ડના વિદ્વાન રીચાર્ડે જાબીરનો ઉલ્લેખ ઘણીવાર પોતાના ગ્રંથ 'Albion’ અને ‘De sectore' માં કર્યો છે તો સાયમંડ બ્રેડોનએ અલમાજેસ્તના તથા ઇસ્લાહના ભાષ્યમાંથી ઘણી બધી બાબતો લીધી છે. જાબીરનો સૌથી વધુ પ્રભાવ તો રેજીઓ મોન્ટેનસે રચેલ ગ્રંથ 'De triangulis’ કે જે ઈ. સ. ૧૪૬૦માં લખાયું અને ૧૫૩૩માં પ્રકાશિત થયું એના ઉપર પડયો હતો. આ ગ્રંથ લેટીન પશ્ચિમમાં સૌ પ્રથમ વ્યવસ્થિત ઢબે ત્રિકોણમિતિને રજૂ કરનાર ગણાય છે. આ પ્રબંધગ્રંથના ચોથા પુસ્તકમાં જાબીરનું ઋણ સ્વીકાર્યા વિના જ ઘણી બધી બાબતોની ઊઠાંતરી કરવામાં આવી છે એવું "ડીક્ષનરી ઓફ સાયન્ટિફીક બાયોગ્રાફી" ના સંપાદકો નોંધે છે. આ નિર્લજ્જતાની ઉગ્ર પ્રતિક્રિયા કાર્ડાનો જેવા વિદ્વાને આપી છે. ૧૬મી અને ૧૭મી સદીમાં પણ જાબીર ઇબ્ને અફલહની રચનાઓને ટાંકવામાં આવતી હતી. દા.ત. સર હેન્રી સેવિલ અને પેડ્રો નુનેઝ, કૉપરનિકસની વર્તુળીય ત્રિકોણમિતિ જાબીર ઇબ્ને અફલાહે 'ઈસ્લાહ'માં રજૂ કરેલ ત્રિકોણમિતિથી એકદમ મળતી આવે છે.