લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

ઘણાંએક વર્ષથી કન્યાશાલાઓ સ્થપાઈ છે ને સ્થપાય છે પણ સ્ત્રીકેળવણીનો પ્રસાર ઇચ્છીએ તેટલો કે હિસાબમાં લેખીએ તેટલો થયો નથી; તેમ જે થયો છે તેનાં પરિણામ પણ સંતોષકારક નીવડ્યાં નથી. લોકો સ્ત્રીશિક્ષણનો લાભ લેવાને ઉલટ દેખાડતા નથી એટલું જ નહિ પણ ઘણાના દિલમાંથી સ્ત્રીશિક્ષણ અનીતિએ લેઈ જનાર છે એ વિચાર પણ નિવૃત્ત થયો નથી.

સ્ત્રીને કઈ જાતની કેળવણીની જરૂર છે એ આપણે પ્રથમ વિચારવું જોઈએ. જેને જે જાતનું કામ કરવાનું હોય તેને તે જાતના કામમાં ઉપયોગની થઈ પડે તેવી શિક્ષા જોઈએ. મનુષ્યમાત્રનું કર્તવ્ય (૧) આ જગતમાં સુખમાં રહેવું તથા બને તેટલું સુખ પ્રવર્તાવવું – એટલે સુધી કે – સર્વ જાતની વૃદ્ધિ પામતાં પામતાં; (૨) પરમસુખ, જે સર્વ વિશ્વવ્યાપી પરમાત્મા એ નામથી ઓળખાતા મહાધારમાં લય પામી અચલ આનંદમાં રહેવાનું, તે પામવું. આ વિચાર આપણે આગળ કરેલો છે. ને તેનો ફલિતાર્થ એ જ છે કે મુખ્ય હેતુ તે બીજો છે ને પ્રથમ હેતુ તેને અનુસરીને વર્તે છે એટલે ગૌણ છે. સ્પષ્ટ રીતે કહીએ તો જેથી બીજો હેતુ સિદ્ધ થવામાં વિરોધ આવે એવાં પ્રથમ હેતુ સાધતાં વાપરેલાં સાધન આપણે સ્વીકારવાં નહિ. આ સિદ્ધાંત પ્રમાણે વસ્તુની યોગ્યતા તપાસતાં, પ્રેમ દ્વારા પરમ પ્રેમમાં લઈ જનાર સ્ત્રી ઠરેલી છે. આ જગત પરત્વે તેનું બલ અને તેનો ઉપયોગ – પ્રેમમાં છે. એમ જોતાં સ્ત્રીના કર્તવ્યની મુખ્ય અવસ્થા બે થાય, પત્નીત્વ અને માતૃત્વ. પત્નીત્વને લાયક કરનાર જે સાધનરૂપ અવસ્થા–બાલ્ય–તેનો તથા પતિના મરણથી પ્રાપ્ત થતા એકાન્ત (છોકરાં વગેરે ન હોય તેવું) વૈધવ્યનો પણ સમાવેશ પત્નીત્વમાં કરીએ છીએ. ઉભય અવસ્થામાં પ્રેમ એ અનુગત છે; અર્થાત્ સ્ત્રીનું પ્રથમ ને મુખ્ય કર્તવ્ય પ્રેમનો વ્યવહાર એ જ છે. તો આ ગુણ દૃઢ થાય, ને વિશેષ ઉદ્દીપ્ત થાય તેમ કરવું એ સ્ત્રીકેળવણીનું પ્રથમ પગલું હોવું જ જોઈએ. પ્રથમ નિયમ તો એ નીકળ્યો કે જેથી કરી સ્ત્રીનું હૃદય વધારે કોમલ, વધારે પ્રેમાલ, અને તેથી કરીને વધારે નીતિમાન, ભક્તિમાન અને આસ્તિક થાય એવી કેળવણીની તેને ખરેખરી જરૂર છે. બીજાં તેને આ પ્રેમબલના આધારે ત્રણ જાતનાં કામ કરવાનાં છે : (૧) પોતાનો વિશેષ સુધારો, (૨) પોતાની પાસે નિકટ સંબંધવાળાં માણસ તરફ પોતાની ફરજ, (૩) પોતાના સિવાય બાકીના જગત પ્રતિ ધર્મ. આ ત્રણે કર્તવ્યનું નામ વ્યવહાર એવું આપીએ. વ્યવહારને માટે એક બીજાના અભિપ્રાય સમજવા તથા પોતે પણ વિચાર કરી