પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


જ્ઞાની !સાધુ ! આવો તો કહું વાતડી રે લોલઃ
ઉભા રહો તો ઉઘાડું મ્હારી છાતડી રે લોલ.

કૃપાનાથે બ્રહ્માંડ એવું કાં કીધું રે લોલ ?
આંખ આવડી, ને જગ તો મ્હોટું બધું રે લોલ.

ગામ પાદર બેસી કાં બોલે મોરલા રે લોલ ?
ચન્દ્ર સૂરજ સન્તાડે વદન કાં ભલા રે લોલ ?

મહા બ્રહ્માંડ ક્ય્હારે ઘૂંઘટ ખોલશે રે લોલ ?
ક્ય્હારે સચરાચર બ્રહ્મનીર ડોલશે રે લોલ ?

આવો સન્તો! તમ પગલે પાવન થવું રે લોલઃ
પ્રાણ રૂંધન્તા પ્રશ્ન પદે ઠાલવું રે લોલ.

ખીલી વસન્ત, ડાળ લૂમખે લચી રે લોલઃ
ટૂંકો આંબો, ને લાંબી દૃષ્ટિ કાં રચી રે લોલ.

વિશ્વ વીંટી આકાશની ઝાડી ઝૂકી રે લોલ:
મધુ વનમાં, મીઠાશ જીભે શે મૂકી રે લોલ ?

ઢળે અઢળક રસ મેઘ મહારેલમાં રે લોલ:
સમી સ્હાંઝે ભરૂં તે મ્હારી હેલમાં રે લોલ:

મ્હારા ઉરથી ન હેલ તો મ્હોટી કશીરે લોલ:
ભરૂં-ભરૂં ત્હો ય ખાલી હેલ, ભાગ્ય શી, રે લોલ.

છતાં શીળો અગ્નિની ઉપર ચાલવું રે લોલઃ
ફૂલ ફૂલે તો ઘડીનું એ ફાલવું રે લોલ.