પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭૭
વનનાં આમન્ત્રણ


વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી ! પુરને મહેલ શી ઉણપો હશે ? લીલમલીલી એ કુંજો ઘેરાય, ત્ય્હાં એવી વિરાટની વિભૂતિ શી વસે ? વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનમાં કોયલડી ટહુકે, સાહેલડી ! પુરમાંની મેના તો પીંજરે પડી ; વનમાં કો ગોપિકા ગાજે ગગન ભરી, પુરમાં પટરાણીઓ રમણે ચ્હડી : વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વન માંહિ કેસરીની કેસર, સાહેલડી ! પુરમાં કિરીટીનાં કિરણો સ્ફુરે ; વનમાં વૈરાગ્ય ને વિલાસ છે સોહામણા, પુરમાં સુવર્ણનાં સ્વપ્નાં ઉરે : વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનમાં સરોવર ઘેરાં, સાહેલડી ! પુરનાં તો કુંડ કાંઈ છાછરછલ્લા ; વનમાં શકુન્તલા, ને વન માંહિ રાધિકા, પુરમાં તો કુબજાનાં કામણ, ભલા ! વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વન કેરા આંબલા મ્હોયાં, સાહેલડી ! પુરમાં કટોરાઘાટ કુંડાં ઉભાં ; વનમાં જોગી જહાંગીરી માણે, સખિ ! પુરમાં ગરીબીનાં દિલડાં દૂભ્યાં : વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનમાં તપોવને તપસી, સાહેલડી ! પુરમાં વણિક કાંઈ વણજે ખીલ્યા વનમાં તો વિશ્વનો વિહારી વિહારે, ને પુરમાં મનુષ્યની ઝળકે કલા : વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !

વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી ! પુરનાં યે પુણ્યપાપ ઓછાં નથી : વનની મઢૂલીમાં સીતા ને રામજી, રમશું ત્ય્હાં વનની કથાઓ કથી : ચાલો, વનવનની કથાઓ કથી :

વનનાં આમન્ત્રણ આવ્યાં, સાહેલડી !