પૃષ્ઠ:Pankaj.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨ : પંકજ
 

ન હતો એમ કહેવું એ કદાચ સત્ય ન હોય, પરંતુ વખાણ માટે જ તેઓ લખતા એમ કહેવું એ તેમને અન્યાય કરવા સરખું હતું. તેમની ટીકાથી તેઓ ગુસ્સે થતાં નહિ – જો કે તેમની ટીકા ભાગ્યે જ થતી. માત્ર એક ટીકા વિરુદ્ધ તેમનો અણગમો દેખાઈ આવતો. તેમના સાર્વત્રિક થતાં વખાણમાં એક જ નિંદાનો સૂર કે ટીકાનો સૂર સંભળાયા કરતો. એક વિવેચકે એમ જ જીદ લીધી હતી કે સનત કુમારનાં કાવ્યોમાં 'મહત્તા' છે પણ 'માનવતા' નથી.

આ વિવેચકની ટીકાને ભાગ્યે જ કોઈ ગણકારતું. ઘણાં માસિકોમાં તો એ ટીકાને સ્થાન મળતું નહિ; પરંતુ કોઈ કોઈ પત્ર શરૂઆતના દિવસોમાં પોતાનું મહત્ત્વ વધારવા પ્રતિષ્ઠિત લેખકો ઉપર પ્રહાર કરી વાચકોને આકર્ષવાની નીતિ અખત્યાર કરે છે, તેવા એક પત્રમાં એ ટીકાને સ્થાન મળતું. જ્યારે જ્યારે કવિ સનતકુમારનો નવો કાવ્યગ્રંથ બહાર પડે એટલે તે વિવેચક પોતાની ટીકા સાથે તૈયાર હોય જ. તે એક જ વાત કહે : 'કવિતામાં મહત્તા છે, પણ માનવતા નથી.' તેને કોઈ હસી કાઢતું. તેના વિરુદ્ધ કડક ચર્ચાપત્રો લખાતાં, અને તેની પુષ્ટિમાં કોઈ જ બોલનાર નીકળતું નહિ. છતાં સનતકુમારને આ ટીકા રુચતી નહિ. એ વિવેચક કોણ હશે તેનો તંત્રી દ્વારા અગર બીજી રીતે તેમણે ઘણી તપાસ કરી, પરંતુ તેનું નામઠામ મળી શક્યું નહિ. નવા બહાર પડેલા એક કાવ્યગ્રંથને અંગે થયેલી આવી ટીકાનો વિચાર કરતા સનતકુમાર પોતાના લેખનગૃહમાં બેઠા હતા, ત્યાં એક પત્રકારે તેમની મુલાકાત લઈ ટીકા વિષે તેમનો જ મત માગ્યો.

કવિઓ ભાગ્યે જ ગુસ્સે થાય છે – જો કે ભાગ્યે જ ગુસ્સે થનાર ગૃહસ્થની માફક તેમને ગુસ્સો ચડે તો તેની સીમા રહેતી નથી. સનત કુમાર પત્રકારનો પ્રશ્ન સાંભળી ગુસ્સે ન થયા, પરંતુ હસ્યા; અને તેમને માટે માન ઊપજે એવી મીઠાશથી તેમણે જવાબ આપ્યો

'મારા વિરુદ્ધની ટીકાનો જવાબ મારાથી અપાય જ નહિ.