પૃષ્ઠ:Pankaj.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩ર : પંકજ
 

અમલદારે પેલા ગૃહસ્થ સામે જોયું. તેમણે સંમતિ દર્શાવી કહ્યું :

‘હા, આગલા સ્ટેશનેથી બેઠા છે.'

‘ત્યારે તો અસહકારી હશે. એ નહિ જોઈએ.' અમલદાર બોલ્યા. જયંતકુમારનું મુખ સહજ ઊતરી ગયું.

'એ સિવાય તો આ ભાઈ મારી સાથે મુંબઈથી આવે છે.' ગૃહસ્થે કહ્યું.

'માફ કરજો, સાહેબ. આપના કોઈ માણસ ઉપર મારે વહેમ લાવવાનો છે જ નહિ. આપને નાહક તકલીફ પડી.' અમલદાર બોલ્યો .

‘તમારે તમારી ફરજ બજાવવી રહી.'

'આપને બેઠેલા જોયા હોત તો હું અંદર ન આવત.'

'હરકત નહિ. તમારે જરૂર પડ્યે મારી પણ તપાસ કરવી જોઈએ.' ગૃહસ્થે કહ્યું.

પોલીસ અમલદાર અને સિપાઈઓ ગૃહસ્થને સલામ કરી પાછા ઊતરી પડ્યા.

'આપ સરકારી નોકર છો ?' પોલીસના ગયા પછી સુખી ગૃહસ્થને જયંતે પૂછ્યું.

'હું સરકારી નોકર હોઉં તો ?'

'તો મને દિલગીરી થશે.'

'કારણ?'

'કારણ એટલું જ કે આપને આ જયંતભાઈ જેટલાં ફૂલહાર અને માનપાન ન મળી શકે.' મહાવીરે વાતમાં વચ્ચે પડી કહ્યું. હવે તેને હસવું આવ્યું. તે અત્યાર સુધી ભાગ્યે જ હસ્યો હતો.

'એ ફૂલહાર અને માનપાન આત્મભોગનાં પરિણામરૂપ છે; આત્મભોગની પ્રેરણારૂપ નથી.' જયંત જરા છેડાઈ બોલ્યો.

'શા ઉપરથી કહે છો.' મહાવીરે પૂછ્યું.

'તમને કે આ ભાઈને એવા ફૂલહાર મળતા નથી તે ઉપરથી.'