પૃષ્ઠ:Pankaj.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬ : પંકજ
 

વીણાના પિતાએ તેને પોતાના સેક્રેટરીનું કામ સોંપ્યું હતું. વ્યાપારમાં ભારે ખોટ જવાથી વીણાના પિતાએ ઘણી સાહેબી ઓછી કરી નાખી હતી, છતાં તેમનો બંગલો, મોટરકાર અને સેક્રેટરી કોઈથી ઝૂંટવી લેવાયાં નહિ. પીયૂષ કાગળ લખતો, વર્તમાનપત્રો વાંચતો, વીણા સાથે ક્વચિત ચર્ચા કરતો. અને વીણા વાંચી રહે તે છેલ્લામાં છેલ્લી ઢબનાં રશિયન ક્રાન્તિની ફિલસૂફી કે ખૂબી સમજાવતાં પુસ્તક વાંચતો.

એક કીમતી હીરો ચોર્યાનું પીયૂષને માથે તહોમત આવ્યું. એ તહોમત તેણે માન્ય કર્યું. અદાલતમાં તેની સામે કામ ચાલ્યું. ગુનાનો સ્વીકાર અહીં પણ પીયુષે કર્યો. શા કારણે તેણે હીરો ચોર્યો તે તેણે જાહેર ન કર્યું. બેકારીનો ભય, ગરીબીની ભીતિ, ભણેલાઓનું શિથિલ ચારિત્ર્ય અને મહેનત કરવાની અશક્તિ વગેરે અનેક કારણે સામા પક્ષના વકીલને સહજ જડે એમ હતાં. એ કારણોનો વિરોધ પીયૂષે કર્યો નહિ. વિરોધ વગરનો આરોપ માન્ય ગણાય છે. ન્યાયાધીશે પીયૂષને સખત કેદની સજા કરી. ભણેલા મનુષ્યે આદર્શ વર્તન રાખવું જોઈએ; તેનામાં જવાબદારી સમજવાની શક્તિ હોય છે જ; છતાં તે ગુનો કરે તો બીજાઓ ધડો લે એવી ભારે શિક્ષા તેને કરવી જોઈએ; આવી ન્યાયાધીશથી વિચારસરણીને પરિણામે પીયૂષે ત્રણ વરસની કેદ ભોગવી.

આવો મનુષ્ય કેદમાંથી છૂટે અને વીણા સરખી યુવતી જોતજોતામાં તેની સાથે લગ્ન કરે એ સહુને માટે અસહ્ય હતું. પીયૂષ અને વીણા વચ્ચે પહેલાં પ્રેમ હતો એવું કોઈથી કહેવાય તેમ ન હતું. વીણાની વીજળી આગળ પીયૂષની આંખ પણ ઊઘડે એ અશક્ય હતું. પીયૂષ પાસે પૈસો ન હતો; પીયૂષ બહુ રૂપાળો ન હતો; રૂપ વધારવા માટે બબ્બે હાથ જેટલી પહોળી બાંયના પાટલૂન પહેરવા જેટલી ફૅશનસેવા તેનામાં ન હતી. તેનામાં ભારે ચબરાકી હોય એમ પણ દેખાતું ન હતું. પછી આ ઘેલછા વીણામાં ક્યાંથી આવી ? વીણા અને પીયૂષના લગ્નની વાત બહાર આવી કે તરત જ કોઈ