પૃષ્ઠ:Pankaj.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈ :૧૯૧
 

રજપૂત એટલી અશાંતિ ઊભી કરતો કે એને શાંત રાખવામાં જ નવાબની આબાદી જળવાઈ રહેતી. પરંતુ શાંત પડેલા રાજસિંહની શાંતિ પણ ભયંકર હતી.

રાજસિહ સાથે સગપણ બાંધવું એ જ નવાબને સારામાં સારો માર્ગ લાગ્યો. રાજસિંહના હિંદુત્વનું અભિમાન જાણીતું હતું. રાજસિંહ પોતાની દીકરી સરળતાથી નવાબને આપે એ સંભવિત ન હતું. પરંતુ કુશળ નવાબે વિચાર્યું કે કાં તો રાજસિંહને સંબંધી બનાવવામાં અગર તેનાં જડમૂળ ઉખાડી નાખવામાં નવાબીની સલામતી છે.

નવાબ અહેમદખાને લશ્કરી તૈયારીઓ કરવા માંડી. સહેજ દૂર આવેલાં બીજા સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય સામે એ લશ્કર વાપરવાનું છે એવી વાત તેણે ફેલાવી, એટલું જ નહિ, રાજસિંહ અને એના સરખા બીજા અર્ધ સ્વતંત્ર ઠાકોરની તેણે સહાય પણ માગી. યુદ્ધતત્પર રજપૂતોએ સહાય આપવા સંમતિ પણ આપી. યુદ્ધમાં પોતાની ચડતીનો ભાસ સહુને લાગ્યા કરતો.

યુદ્ધની તૈયારીઓ વચ્ચે જ એકાએક નવાબ અહેમદખાને રાજસિંહ તરફ કહેણ મોકલ્યું. દરબાર ભરી બેઠેલા રાજસિંહને નવાબના પ્રતિનિધિએ આવી કહ્યું :

'નવાબસાહેબનું ફરમાન છે. આપની પુત્રી પદ્માવતીનું લગ્ન એક અઠવાડિયામાં આપે નવાબસાહેબ સાથે કરવું.'

રાજસિંહ જરા આશ્ચર્ય પામ્યો. મૈત્રી માગતા નવાબે આ પગલું કેમ લીધુ તેની તેને સમજ પડી નહિ. તેને પોતાના હિંદુત્વ પ૨ ઉપર ઘા પડતો લાગ્યો. નવાબના સંદેશવાહકે કહ્યું :

'આપની કન્યાને હિંદુ ધર્મ પાળવાની છૂટ રહેશે.'

લગ્ન મુસ્લિમ સાથે કરવું અને ધર્મ હિન્દુનો પાળવો? રાજસિંહને પોતાની અને પોતાના ધર્મની હાંસી થતી લાગી. તેણે આવેશમાં જવાબ આપ્યો :