પૃષ્ઠ:Pankaj.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮ : પંકજ
 

ખોટો પાડતા શબ્દો પણ અમલદારે સાંભળ્યા :

'રતિલાલ. તું સૂર્યકાન્તને આમ મારી નાખે એ તો મને જરા પણ ગમ્યું નહિ.'

અમલદારની શ્રવણશક્તિ તીવ્ર હતી. તેનું અવધાન પણ ચોક્કસ હતું.

'રતિલાલ? ' અમલદારના મને પ્રશ્ન કર્યો. સૂર્યકાન્ત નામ મારવાને પાત્ર મનુષ્યનું હોઈ શકે. પરંતુ ખૂની તરીકે રતીલાલ નામ બહુ મોળું લાગ્યું. ખડ્રગસિંહ, ગનુ ઘાટી, મિત્રાં જાફર, બાબર બહાદુર એવા નામ સાથે ખૂનની શક્યતા ખરી, પરંતુ ગુજરાતી રતિલાલ સૂર્યકાન્તને મારે એ આશ્ચર્યજનક ઘટના હતી. પરંતુ તેની શંકાનું નિરસન કરતી બીજી વાત પણ અમલદારે સાંભળી. અને તેની તાજુબીનો પાર રહ્યો નહિ.

'એકલા સૂર્યકાન્તને મારવાનો હોય ત્યાં સુધી આપણે ચલાવી લઈએ, પણ આ તો બિચારી સુલતાને પણ તું મારી નાખે છે?' બીજો અવાજ અંદરથી આવ્યો.

'હું ક્યારનો કહું છું કે રતિલાલ ક્રુર છે, ખૂની છે, એક જીવ માર્યે તેને સંતોષ થતો નથી એટલે બેને મારે છે.' પહેલી વાત કરનારનો કંઠ સંભળાયો.

'અને તે પણ બિચારી એક ખૂબસૂરત સુલતા સરખી સ્ત્રીને; બીજા માણસે કહ્યું. અને ત્રીજા માણસના હાસ્યનો ધ્વનિ સંભળાયો. હાસ્યભર્યો અવાજ પણ સાથે જ આવ્યો.

'ખૂન વગર ખરી મઝા ન આવે. મૃત્યુ તો જીવન સાથે જડાયલું જ છે. '

અમલદારે જાણ્યું કે આ હસીને બોલનાર પેલો રાક્ષસ રતિલાલ જ હોવો જોઈએ. એકલા સૂર્યકાન્તને જ નહિ, પણ એની સાથે કોઈ સુલતા નામની ખૂબસૂરત યુવતીને પણ તે મારવા તલપી રહ્યો હતો ! નારણ સામે જોઈ અમલદારે મૂક આભાર પ્રદર્શિત કર્યો,