પૃષ્ઠ:Pankaj.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંકજ : ૨૪૫
 

કરી જશે ખરો એમ મને લાગ્યું. મોટરમાં અમે સાથે બહાર નીકળ્યા, અને એક મેદાનમાં આવ્યા. મોટર ઊભી રાખી અને નીચે ઊતર્યા.

'હવે હું તને સમજવું કે હું કેમ એબિસીનિયા જઈ શકીશ. જો, પેલું શું છે ?'

'એ તો ઍરોપ્લેન પડેલું લાગે છે.' મેં ચમકીને કહ્યું.

'એ મારી માલિકીનું છે. અને તે ચલાવતાં મને આવડી ગયું છે.'

'તારી પાસે પરવાનો છે?'

'હા. ઍરોપ્લેન રાખવાનો અને ઉડાડવાનો. ઊંચે ઊડ્યા પછી હું ફાવે ત્યાં જઈ શકીશ.'

'પણ તારે બહેન છે, પુત્રી છે, એમનું શું કરીશ?' મેં તેને વારતાં કહ્યું.

'એ માટે તો હું સટ્ટામાં પડ્યો. પૈસો ખૂબ થયો છે. તેથી ઍરોપ્લેન પણ ખરીદી શક્યો, અને બહેન તથા પુત્રી માટે રકમ જુદી મૂકી શક્યો.'

'પણ એકલા પૈસાથી સંભાળ લેવાશે?'

'આ કાગળો તને સોંપુ છું. તું સાચો મિત્ર રહી શકે એમ લાગે છે. જરૂર પડ્યે તેમને આપજે.'

મારું મન ચણચણી ઊઠયું. મધુકરને જવા દેતાં મને દુઃખ થયું. મેં તેને કહ્યું:

‘મધુકર, આ તો આત્મહત્યા કરવા સરખું છે.'

'નહિ, હું મારે હાથે મરું એવો બીકણ નથી. મારી પત્નીએ એટલું તો શીખવ્યું જ છે કે મરવું તો કોઈ આદર્શ ખાતર; અને તે યે બહાદુરીથી. આજ એક જ આદર્શ મરવા માટે યોગ્ય છે; અને તે એ જ કે ગોરાઓની ચળકતી બેડીમાંથી કાળાઓને છોડાવવા. આ એક જ સ્થળ મરવા માટે યોગ્ય છે : તે હબસી દેશ. અને મરીશ એટલો વહેલો એને મળી શકીશ.'