પૃષ્ઠ:Pankaj.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુનર્મિલન : ૩૯
 

પડી કે આરામ ખુરશીમાં સૂતેલા વિનોદરાય ક્યારે તેની પાસે આવીને બેસી ગયા હતા. પરંતુ નજીક બેઠેલું માનવી ભાગ્યે જ લાંબો વખત છૂપું રહી શકે. તેણે બાજુએ જોયું તો પોતાની નાની શેતરંજી ઉપર વિનોદરાય પણ બેઠા હતા. તે ચમકી, આઘી ખસી અને શેતરંજીની નીચે બેઠી.

'લાવ, હું વાળ ઠીક કરી આપું.' વિનોદરાય બોલ્યા. રમાના હાથમાંથી કાંસકી તેમણે લઈ લીધી. રમાની આંખ વિસ્તૃત બની. તેણે કહ્યું:

'મને એમ નહિ ફાવે.'

પરંતુ વિનોદરાયે કાંઈ પણ જવાબ ન આપતાં, રમાના મસ્તકને સ્પર્શ કરી આગલા ભાગમાં વાળને એક સુઘડ વળ પાડી આપ્યો.

'આમ જ રાખજે.' કહી વિનોદરાયે કાંસકી પાછી આપી અને રમાની સામે જોતા બેઠા.

રમાનો હાથ આગળ ચાલ્યા નહિ. પંદર વર્ષના વિયોગનું મૂળ શું આ વાળનો વળ – કર્લ Curl નહોતો ? પંદર વર્ષ ઉપરનો તે દિન તેની આંખ આગળ આવીને ઊભો. વાળની, પોશાકની કે વાણીની અવનવી છટાભરી યુવતીઓને છકેલ કહેવાની જગતને ટેવ પડી ગઈ છે. સ્ત્રીની કલામયતા સારી લાગ્યા છતાં માનવીઓ તેમાં અમર્યાદાનું ભૂત નિહાળે છે. યૌવનભરી રમા વાળના કર્લ–ગુચ્છ–વળ પાડતી. એના યુગમાં એ નવીનતા હતી. નવીનતા એટલે સ્વછંદતા એમ માનનારા સમાજે રમાની બહુ ટીકા કરવા માંડી. વિનોદરાયની સાથે તેનો વિવાહ પ્રથમથી મળી ચૂક્યો હતો. બન્ને પરસ્પરને સહુ જ યોગ્ય હોવાથી તેમનાં લગ્ન પણ થઈ ગયાં.

પરંતુ યુવાન વિનોદરાય માની ટીકા સાંભળી નૈતિક આવેશમાં આવી ગયા હતા. ઘણા નવવિવાહિત પતિઓ પત્નીને સુધારવાની, સંસ્કારી બનાવાની ઘેલછા સેવે છે. વિનોદરાયે નિશ્ચય કર્યો કે રમાની સમાજને દેખાતી અમર્યાદ ઢબ ઉપર અંકુશ મૂકી દેવો.