પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહનું સ્વપ્નઃ ૨૩
 


‘તમે બોલાવશો ત્યારે !' પુરુષની નફટાઈનો ભાસ કરાવતાં સનાતન બોલી ઊઠ્યો. વિવેક અને સારી રીતભાતના શીખેલા પાઠ તેણે ક્ષણભર વિસારી દીધા. તેની એક આંખ સહજ ઝીણી થઈ અને મુખ ઉપર સ્મિતની છાયા જણાઈ. સ્ત્રીઓને કફોડી સ્થિતિમાં મૂકી આનંદ મેળવવાની ટેવ એ પુરુષનો વંશપરંપરાનો વારસો હોય એમ લાગે છે. નહિ તો આવો સભ્ય છોકરો એકલી ઊભેલી બાળાને આવો જવાબ આપે ?

મંજરીને આ જવાબ ગમ્યો કે નહિ તે કોણ કહેશે ? તે કશું જ બોલી નહિ, અને સહજ ઊભી રહી. પાછી ફરી તે સૂર્ય અને તુલસીની પૂજા કરવા લાગી. સનાતન હજી ત્યાં જ ઊભો હતો.

પૂજા કરી તે પાછી ફરી. તેને ખાતરી જ હતી કે સનાતન ત્યાં જ ઊભો રહ્યો હશે. સહજ સંકોચ સાથે તે તદ્દન જાળીની નજીક ગઈ, અને પૂછ્યું :

'સનાતન ! કાલે જ જવું છે ?'

‘ગયા સિવાય ચાલે એમ નથી.' સનાતને જવાબ આપ્યો.

‘પાસ થશો ત્યારે કાગળ લખી જણાવશો ને ?' મંજરીએ પૂછ્યું.

'પાસ તો થઈશ જ એ નક્કી માનજો.' સનાતનનું અભ્યાસી તરીકેનું અભિમાન આગળ તરી આવ્યું. 'કાગળ લખું અગર ન લખું તોપણ.'

'એટલે પત્ર બિલકુલ નહિ લખો ?' મંજરીએ બધી હિંમત વાપરી નાખી પ્રશ્ન કર્યો.

‘પત્ર લખીશ.' સનાતને જવાબ આપ્યો.

‘ક્યારે ?'

'મેં એક પણ લીધું છે. એ પણ પૂરું કરીશ ત્યારે જરૂર કાગળ લખીશ.'

'એવું શું પણ છે ?' મંજરીએ પૂછ્યું.

'એ હું પત્રમાં જ જણાવીશ.'

'હું રાહ જોઈશ. પત્રની.' મંજરીએ કહ્યું. સનાતન સામે નજર નાખી તે અગાસીમાંથી ઘરમાં ચાલી ગઈ. જતે જતે તેણે ગાયેલું ગીત સાંભરી આવ્યું.’ હૂ શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું.' તેણે તે લીટી ફરીથી ગુંજી.

સનાતન જાળીમાં ઊભો જ હતો. તેને શું સ્વપ્ન આવ્યું?

'ભાઈ !' સનાતનને જાગૃત કરતો અવાજ આવ્યો. તેના કાકા તેની પાસે આવી તેને સંબોધતા હતા.

'જી.'

'હું વ્યોમેશચંદ્રને ત્યાં જરા જાઉ છું. તે બિચારાની પત્ની ગુજરી ગઈ.'