પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અત્યારે પણ હું રાતના બે વાગ્યા સુધી આંહીં બેસીને જ સૂવા જઈશ. આ પાકા ચાવલની મિલ છે. કમોદને બાફ્યા પછી એ સુકાવવી પડે છે, અને તે બરાબર સુકાય છે કે કેમ તે વારંવાર જોવા જવું પડે છે. આજે રાતે જે ધાન સુકાય છે તે ચાખી જોવાનો વારો છે. આ કાગળ ટુકડે ટુકડે લખાય છે, કારણ કે વારંવાર જોવા જવું પડે છે. વળી હમણાં એક ભાઈ અમરજ્યોતિ, ધૂપછાંવ અને બીજી રેકર્ડો લાવેલ છે તે સાંભળીએ છીએ. તેમાં 'જીવનકા સુખ આજ પ્રભુ' એ પણ છે. બીજી ગુજરાતી અને હંસ પિક્ચર્સની પણ છે. એટલે આ જીવનમાં પણ થોડી મોજ કરીએ છીએ. હજુ તો અગિયાર થયા છે, પરંતુ પત્ર પૂરો થાય તેમ લાગતું નથી (કામને અંગે).

વહાલા વિનુ! તું તો ત્યાંનો મૅનેજર થયો છે, ને હું એક મામૂલી ક્લાર્ક છું, હો! વાંધો નહીં, હું પણ કાંઈક કરી બતાવીશ.

અમારે આંહીં મુંબઈ જેવો ઑટોમેટિક ટેલિફોન નહીં હોવાથી ઑપરેટિંગ હાઉસમાં નંબર જણાવવો પડે છે. ત્યાંનો એક ઑપરેટર સાથે મારે થોડી દોસ્તી છે. રાતે તે ડ્યૂટી પર આવે ને અમે નવરા હોઈએ તો રિંગ મારીને બે ઘડી ગપ્પાં મારીએ અને બીજી મિલોની, તેઓની હેડઑફિસોની વગેરે વાતો ચુપકીદીથી સાંભળીએ - થોડી ગમ્મત સાથે જાણવાનું મળે. જોકે ખાસ કરીને તેમાંના બધા ઉલ્લુ જેવા જ જણાયા છે. પણ ગમ્મત બહુ આવે.

(તા. વળતા દિવસની)

સુખદુઃખ દોનું એક બરાબર,
દો દિનકા મહેમાન.
વો ભી દેખા, યહ ભી દેખ લે,
દોનોંકો પહેચાન;
મૂરખ મન હોવત ક્યોં હેરાન?

વિનુભાઈ, કાલે બહુ જ વિચાર હતો કે પત્ર પૂરો કરું. પણ ન કરી શક્યો. કાલના પત્રમાં રીતસરનું લખાણ નહીં મળે, કારણ કે તે બધું કુલીઓ અને બર્મી કામ કરનારાઓ સાથે વાતો, ઑર્ડર અને સમજાવટ વગેરે જાતની 'ડિસ્ટરબન્સ'માં લખાયેલ છે.

તું કહે છે તેમ મહેનત-મજૂરી સાથે બુદ્ધિને અણબનાવ રહે છે. તેનું શું? હમણાં હમણાં મહેનત કરું છું તો મગજ ઠેકાણે નથી. પરંતુ તે