પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચલાવવામાં પાવરધા બનેલા આ ચેટ્ટીઓ બ્રહ્મદેશની હજારો માઈલ જમીનના સ્વામી બનીને બેઠા હતા. શાંતિદાસ શેઠની સોનાચાંદીની દુકાને પણ એટલો જ તડાકો પડ્યો.

દાક્તર નૌતમ અને હેમકુંવરબહેન પોતાની મેડીએ ઊભાં ઊભાં આ મરણોત્સવનું પાગલ સરઘસ જોતાં હતાં. મુસ્લિમોના તાબૂતની માફક કાગળના બનાવેલા મોટા કલાયુક્ત ફ્યા (પેગોડા) નીકળ્યા. ધ્વજો અને પતાકાઓ, ગાન અને તાન વચ્ચે ઊંચે ઊંચે એક મંદિરના ઘુમ્મટ જેવડું એક કમળફૂલ ચાલ્યું આવે છે. એક ઠેલાગાડીમાં લોકો એને ખેંચી લાવે છે. ધીરે-ધીરે, ધીરે-ધીરે, ધીરે-ધીરે, કેમ જાણે કોઈક વસંતના મલયાનિલની લહરે લહરે ઊઘડતી હોય તેમ એની મોટી મોટી પાંદડીઓ સરખા પ્રમાણમાં ગોળકૂંડાળે ઊઘડતી આવે છે.

સહેજ ઊઘડી, વધુ ઉઘડી, અને અંદરથી અપ્સરા જેવી પાંખાળી જણાતી કો નર્તિકાએ ડોકું કાઢ્યું. જનપદે પાગલ બનીને હર્ષઘોષણા દીધી.

અપ્સરાનું સુંદર ઓળેલ સઢોંઉવાળું મસ્તક દેખાયું. હીરાના હારે હીંડળતી ડોક દેખાઈ, આછા વાયલની એંજીમાં ઢંકાયેલી પીનપયોધરવિહોણી, તસતસતા બાંધેલા કપડા વડે સપાટ કરી મૂકેલી પહોળી ચપટી છાતી દેખાઈ. એના કમ્મર સુધીના દેહને પ્રગટ કરીને પદ્મ પૂરેપૂરું પ્રફુલ્લિત બન્યું. કાંસાની કટોરીઓને કૂંડાળે ગોઠવીને બનાવેલ બ્રહ્મી જળતરંગ પર ઝીણી ડાંડીએ સૂરો જગાડ્યા. તંતુવાદ્યોના તાર પર બજવૈયાના હાથનાં આંગળાં ફર્યાં. (બ્રહ્મી પ્રજા પવન-વાદ્યને ધિક્કારે છે.) અને પદ્મમાં ઊભેલી પદ્મશ્રીએ નૃત્ય આદર્યું.

આ નૃત્યને ચગાવવા લહેરાવવા ત્યાં ચણિયાના ચાળીસહથ્થા ઘેર નહોતા, ચૂંદડી-ઓઢણીના ચકડોળ ફરતા પાલવ નહોતા. પગને રૂંધી રહેલી તસોતસ આસમાની લુંગી આપણી કાઠીયાણી-આહીરાણીઓની જીમી કરતાંયે વધુ ચપોચપ હતી. એમાંથી જે નૃત્ય નીકળ્યું તે નૃત્ય