પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૫૩
 

ઘાસ-પથારી ફેંદી નાખી. જુએ છે તો નીચે એક આદમી સૂતો છે. વિકરાળ આદમીઃ એનો એક પંજો ઘોડાના લોઢાના ખીલાની નીચે છે : ખીલો પંજા સોંસરો ભોંયમાં ખૂત્યો છે. એ પંજામાંથી લોહીનું પરનાળું ચાલ્યું જાય છે તોય એ પંજાનો ધણી તસ્કર નથી હલતો કે નથી ચલતો. એની આંખો ચળક ચળક સૌને નીરખી રહી.

ખીલો ખેંચી કાઢ્યો. માનવી ઊભો થયો. ભક્તજનો જોઈ રહ્યા. આ કોણ બેમાથાળો ? ચૂંકારોય કાં કરતો નથી ? ભગત સાંસતિયા ! સતી તોળલદે ! આવો આવો, કોક અતિથિ છે.

કાઠી અને કાઠિયાણી કશીય ઉતાવળ કર્યા વગર શાંત પગલે આવીને ઊભાં રહ્યાં. અજાણ્યો આદમી બોલ્યાચાલ્યા વિના ઊભો છે. એની નજર કાઠિયાણી પર ઠરી છે. આ તોળી ! આ પોતે જ કાઠિયાણી ! આવડાં બધાં રૂપ ! રૂપ માતાં નથી. રાત્રિનો ત્રીજો પહોર આ રૂપને ઝીલવા નાનો પડે છે.

"કોણ છો નારાયણ?” સાંસતિયે પ્રશ્ન કર્યો.

"રાજપૂત.”

"નામ ? ધરા?"

"કચ્છ ધરા, ને નામ જેસલ જાડેજો.”

"જેસલ જાડેજો !" નામ સાંભળીને સૌએ એકબીજાની સામે જોયું. સો સો ગાઉને સીમાડે જેનું નામ પડ્યે લીલાં ઝાડવાંય સળગી ઊઠે છે તે જ આ અંજાર શહેરનો કાળ-ડાકુ જેસલ ! જગનો ચોરટો જેસલ !

"કેમ આવેલા ?"

"ચોરી કરવા.”

"શેની ચોરી ?”

"ત્રણ વાનાંની.”

“ગણાવશો?"