પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રીતે આપવી તેનો નક્શો પહેલેથી દોરી રાખેલો હશે એટલે તે આપવામાં કોઈ જાતનો ડર રાખવાનું કારણ નથી. મારું એવું માનવું છે કે સરકારી અમલદારો તરફથી આ જાતની કેળવણીના કામમાં દખલગીરી થાય એ જમાનો વહી ગયો છે. પણ ધારો કે એવી દખલગીરી થાય તો પોતાનાં ભાઈબહેનોને ભેગાં કરીને વાતોચીતો દ્વારા તેમને સાચી કેળવણી આપવાના આ સૌથી મૂળ હકના અમલને માટે લડી જ લેવું, કેમ કે એ મૂળભૂત હક વિના સ્વરાજની સિદ્ધિ નથી. બેશક મેં આ કેળવણીને વિશે જે કંઈ સલાહ અહીં આપી છે તેમાં બધું કાર્ય ખુલ્લંખુલ્લા થશે એ વાત મેં માની લીધેલી છે. અહિંસાની પદ્ધતિમાં ડરને જરાયે અવકાશ નથી ને તેથી છૂપાપણાને પણ અવકાશ નથી. આ મોઢાની કેળવણી સાથે જ લખવાવાંચવાનું ભણતર પણ ચાલે. આ કામમાં ખાસ આવડતની જરૂર છે. એને અંગે ભણતરનો ગાળો બને તેટલો ટૂંકો કરવાને ખાતર અનેક પદ્ધતિઓ અજમાવવામાં આવે છે. મારી ભલામણ એવી છે કે આ કામમાં નિષ્ણાત ગણાતા લોકોનું એક કાયમનું અથવા કામચલાઉ મંડળ કાર્યવાહક સમિતિએ નીમવું, જે અહીં મેં જે વિચાર દર્શાવ્યો છે ને પ્રૌઢશિક્ષણ કેવું હોવું જોઈએ એ વિશે જે ખ્યાલ રજૂ કર્યો છે તેને ચોક્કસ યોજનામાં સમાવીને કાર્યકર્તાઓને દોરવણી આપે. હું કબૂલ કરું છું કે મેં આ ટૂંકા પૅરામાં જે કહ્યું છે તેનાથી કેવળ કામની દિશા બતાવાઈ છે, પણ એ કામ કેમ ચાલુ કરવું તેની સામાન્ય મહાસભાવાદીને વિગતે દોરવણી મળતી નથી. વળી ખાસ આવડતની અપેક્ષા રાખનારું આ કાર્ય કરવાને એકેએક મહાસભાવાદી લાયક પણ ન હોય. પણ જે મહાસભાવાદીઓ શિક્ષણનો વ્યવસાય કરે છે તેમને મેં અહીં જે સૂચનાઓ કરી છે તેમને અનુરૂપ ભણતરનો ક્રમ દોરી આપવામાં મુશ્કેલી ન લાગવી જોઈએ.

૯. સ્ત્રીઓ

હિંદની સ્ત્રીઓ જે અંધકારમાં ડૂબેલી હતી તેમાંથી તેમને સત્યાગ્રહની પદ્ધતિએ આપોઆપ બહાર કાઢી છે; અને એ વાત પણ સાચી છે કે બીજી કોઈ પણ પદ્ધતિથી સ્ત્રીઓ આટલા માની ન શકાય