પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આમુખ


૧૯૪૧માં रचनात्मक कार्यक्रम - तेनुं रहस्य अने स्थान નામની જે ચોપડી મેં પહેલવહેલી લખી હતી તેની આ પૂરેપૂરી સુધારેલી આવૃત્તિ છે. રચનાત્મક કાર્યક્રમને અંગે જે બાબતો એમાં ગણાવવામાં આવી છે તેમનો કોઈ ખાસ ક્રમ રાખ્યો નથી; દરેકના મહત્ત્વના ક્રમમાં તો તેમને નથી જ ગણાવી. પૂર્ણ સ્વરાજની રચનાની દૃષ્ટિથી મહત્ત્વની હોય તેવી કોઈ બાબત આ કાર્યક્રમમાં સમાવવામાં આવી નથી એમ વાચકને લાગે તો તેણે એમ ન માની લેવું કે તેને જાણી જોઈને પડતી મૂકવામાં આવી છે. એવી કોઈ બાબત સૂઝે તો વાચકે બેધડક મેં ગણાવેલી બાબતોમાં તેને ઉમેરી લેવી ને મને ખબર આપવી. મેં જે યાદી બનાવી છે તેમાં રચનાકાર્યની એકેએક બાબત આવી જાય છે એવો મારો દાવો નથી; મારી યાદી કેવળ દાખલા રૂપે છે. વાચક જોશે કે આ આવૃત્તિમાં મેં પોતે કેટલીક નવી બાબતો અસલ યાદીમાં ઉમેરી છે.

વાચકો જાતે કાર્યકર્તાઓ અથવા સયંસેવકો હોય કે ન હોય; પણ તે બધાએ એક વાત બરાબર સમજી લેવી જોઈશે કે રચનાત્મક કાર્યક્રમ એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય ને અહિંસાનો રસ્તો છે. હું એમ કહું કે રચનાત્મક કાર્યક્રમનો પૂરેપૂરો અમલ એ જ પૂર્ણ સ્વરાજ છે. આપણા રાષ્ટ્રનું ઠેઠ પાયામાંથી ઘડતર કરવાને જે રચનાત્મક કાર્યક્રમ અહીં બતાવવામાં આવ્યો છે તે આખાયે કાર્યક્રમના અમલમાં આપણી ચાળીસે કરોડની વસ્તી લાગી ગઈ છે એવા ચિત્રની કલ્પના કરી જુઓ. પછી પૂર્ણ સ્વરાજનો ગમે તે અર્થ કરો, પરદેશી અમલને અહીંથી કાઢવાનો છે તે અર્થ પણ તેમાં સમાવી લો, એ બધાયે અર્થમાં આ જ પૂર્ણ સ્વરાજ છે એ વાતમાં કોઈથી તકરાર ઉઠાવી શકાશે ખરી? આ કાર્યક્રમની ટીકા કરનારા લોકો જ્યારે રચનાત્મક કાર્યક્રમ તે જ સ્વરાજ એ મારી વાતને હસી કાઢે છે ત્યારે તેમના કહેવાનો અર્થ એટલો જ હોય છે કે આ કાર્યક્રમના અમલને માટે જે