પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિહાળીએ તો, સુધરેલી આધુનિક દુનિયામાં આપણી છે. દરિયા પારના દેશોમાં આપણા ભાંડુઓની દશાનો ખ્યાલ કરવાથી મેં જે વાત કહી છે તે સાચી છે એમ સૌની ખાતરી થશે.

૧૮. વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓને રચનાકાર્યની વાતમાં છેક છેવટે લેવાને માટે મેં અનામત રાખ્યા હતા. મેં હંમેશ તેમની સાથે ઘાટો સંબંધ રાખ્યો છે ને કેળવ્યો છે. વિદ્યાર્થીઓ મને ઓળખે છે ને હું તેમને ઓળખું છું. તેઓ મને ખૂબ કામ આવ્યા છે. કૉલેજોમાંથી નીકળેલા ઘણા વિદ્યાર્થીઓ આજે મારા કીમતી સાથીઓ છે. વળી વિદ્યાર્થીઓ ભાવિની આશા છે એ પણ હું જાણું છું. અસહકારની હિલચાલ પુરબહારમાં ખીલી ત્યારે પોતાની નિશાળો અને કૉલેજો છોડી દેવાને તેમને નોતરવામાં આવ્યા. મહાસભાની હાકલના જવાબમાં જે અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓ શાળાકૉલેજો છોડીને બહાર પડ્યા હતા તેમાંના કેટલાયે હજી રાષ્ટ્રકાર્યને મક્કમપણે વળગી રહ્યા છે ને તેથી તેમને પોતાને તેમ જ દેશને ઘણો ફાયદો થયો છે. એ હાકલ ફરી કરવામાં નથી આવી કારણ આજે તેને લાયકની હવા નથી. પણ તે વખતના અનુભવે એટલું બતાવ્યું કે ચાલુ કેળવણીનો મોહ જૂઠો ને અકુદરતી છે પણ દેશના યુવકોને એવો વળગ્યો છે કે તે તેમાંથી છૂટી શકતા નથી. કૉલેજની કેળવણી લેવાથી કરીઅર સહી થઈ જાય છે. વળી આપણા દેશમાં બ્રિટિશ અમલે ઉજળા લોકોનો જે વર્ગ પેદા કર્યો છે તેમાં પેસવાનો પરવાનો પણ કૉલેજની કેળવણીથી મળે છે. જ્ઞાનની ભૂખ જે સ્વાભાવિક ને ક્ષમ્ય ગણાય તે પૂરી કરવાને ચાલુ ચીલે ચડ્યા વિના આરો નથી. માતૃભાષાનું સ્થાન જે પડાવી લે છે તે સાવ પારકી ભાષા શીખવામાં પોતાનાં કેટલાંયે કીમતી વર્ષો બગડે છે તેની તેમને પડી નથી. વળી આમાં જે ગંભીર દ્રોહ થાય છે તેનું તો તેમને ભાન પણ નથી. આ વિદ્યાર્થીઓ ને તેમના શિક્ષકોના મનમાં કંઈ એવું ભૂત ભરાઈ ગયું છે કે આજના જમાનાના નવા વિચારોનું તેમ જ આધુનિક વિજ્ઞાનનું જ્ઞાન મેળવવામાં આપણી ઘરની ભાષાઓ છેક નકામી છે. પેલા જાપાનના લોકો પોતાનું કેમ ચલાવતા હશે તેનું મને અચરજ થાય છે.