પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આમુખ

એટલે કે અટકાવવાનો પ્રયાસ થાય તો તેની સામે સત્યાગ્રહ કરવો પડે. આ પ્રકારની નિ:સ્વાર્થ અને સાચી મૈત્રી જ રાજકીય કરારોના પાયારૂપ થવી જોઈએ. એવી જ રીતે ખાદીના એકકેન્દ્રી ઉત્પાદનને સરકાર રોકી શકે; ખાદીના વ્યક્તિગત એટલે કે સૌ સૌના ઉપયોગ પૂરતા ઉત્પાદનને ને તેવા જ વપરાશને અટકાવવાની કોઈ સત્તાની તાકાત નથી. એટલે ખાદીની પેદાશનું કાર્ય અને તેને વાપરવાની ફરજ લોકો પર જબરદસ્તીથી ઠોકી બેસાડવાનું બરાબર નહીં થાય; આપણી મુક્તિની લડતના એક અંગ લેખે લોકોએ તેને સમજપૂર્વક ને રાજીખુશીથી આપમેળે સ્વીકારવી જોઈશે. આપણે આપણાં ગામડાંને આપણી વ્યવસ્થાનો ને રચનાનો છેવટનો ઘટક ગણતા થઈએ તો જ ઠેઠ નીચેથી રચનાત્મક કાર્યક્રમના ખાદીના અંગનો અમલ થાય તેવો છે. આ જાતના કાર્યક્રમનો અમલ શરૂ કરનારા ને તેને માટે નવો ચીલો પાડનારા લોકોને પણ રોકવાનો પ્રયાસ થાય એમ બને. આખી દુનિયામાં નવો ચીલો પાડવા નીકળનારા લોકોને મુસીબતોની તાવણીમાંથી પસાર થવું પડ્યું છે. પણ કષ્ટો વેઠ્યા વિના સ્વરાજની પ્રાપ્તિ છે ખરી? હિંસાને રસ્તે સત્યને સૌથી પહેલાં અને સૌથી વધારે વેઠવું પડે છે; અહિંસાને માર્ગે તેનો સદૈવ વિજય થાય છે. ઉપરાંત આજે જે લોકોની સરકાર બનેલી છે, એટલે કે જે લોકો તેનું તંત્ર ચલાવે છે તેમને આપણા દુશ્મન માની લેવાની જરૂર નથી. તેમને દુશ્મન ગણીને ચાલવું એ અહિંસાથી ઊલટી વાત થાય. આપણે એ લોકોથી છૂટા થઈ જવું છે; પણ બે મિત્રો જુદા પડે તેમ જુદા થવું છે.

રચનાત્મક કાર્યક્રમ રજૂ કરતાં પહેલાં મેં ઉપર જે વાત કરી છે તે જો વાચકના દિલમાં વસી હશે તો એ કાર્યક્રમમાં અને તેના અમલના કાર્યમાં અખૂટ રસ રહેલો છે એ વાત તેને સમજાશે; એટલું જ નહીં, રાજકારણને નામે જે પ્રવૃત્તિ ઓળખાય છે, અને સભાઓમાં ભાષણો ઝૂડવાની જે પ્રવૃત્તિ છે તેના જેટલો જ ઊંડો રસ આ પ્રવૃત્તિમાં પણ પડે તેમ છે. કંઈ નહીં તો આ રચનાત્મક પ્રવૃત્તિ ખસૂસ વધારે મહત્ત્વની ને વધારે ઉપયોગી છે.

પૂના, ૧૩-૧૧-૧૯૪૫
મો૦ ક૦ ગાંધી